દિલ્હીમાં આજે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખ, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત આજે (મંગળવારે) બપોરે 2 વાગ્યે થશે. ચૂંટણી પંચ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.નોંધનીય છે કે, દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી એક તબક્કામાં થઈ શકે છે. આ વખતે પણ આપ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે.
ફેબ્રુઆરીના બીજા સપ્તાહની આસપાસ ચૂંટણી યોજાઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની દેખરેખ હેઠળ આ છેલ્લી ચૂંટણી હોઈ શકે છે. તેઓ 18મી ફેબ્રુઆરીએ નિવૃત્ત થવા જઈ રહ્યા છે.
ચૂંટણીની જાહેરાત બાદ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. સત્તાધારી આમ આદમી પાર્ટી (AAP)ની નજર હેટ્રિક પર છે. તેણે 2015 અને 2020ની ચૂંટણીમાં 67 અને 62 બેઠકો સાથે જીત મેળવી હતી. તે જ સમયે, ભાજપ છેલ્લી બે વિધાનસભાઓમાં 10 બેઠકો પણ જીતી શકી નથી. દિલ્હીમાં મુકાબલો ત્રિકોણીય છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામશે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને AAP એકસાથે લડ્યા હતા, પરંતુ બંનેએ અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.
દિલ્હીમાં વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં મતદારોની સંખ્યામાં 7.26 લાખ અને 2024ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 3.10 લાખનો વધારો થયો છે. 2020ની ચૂંટણી સમયે દિલ્હીમાં 1.47 કરોડ મતદારો હતા, જ્યારે ગયા વર્ષની લોકસભા ચૂંટણી સમયે દિલ્હીમાં મતદારોની સંખ્યા 1.52 કરોડથી વધુ હતી.