મુસ્લિમ મેરેજ એક્ટ નાબુદ કરવાનું આસામનું પગલું આવકાર્ય: વિરોધ ખોટો
ઉત્તરાખંડ વિધાનસભાએ યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું ત્યારે એવી શક્યતા વ્યક્ત થયેલી જ કે, ધીરે ધીરે દેશનાં બધાં ભાજપ શાસિત રાજ્યોમાં આજે નહીં તો કાલે યુનિફોર્મ સિવિલ કોડ પસાર થશે. આસામની ભાજપ સરકારે એ દિશામાં પહેલું કદમ ઉઠાવીને રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કર્યો છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવાનો અને રાજ્યમાં તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ કરવાનો નિર્ણય લેવાઈ ગયો. મતલબ કે, હવે પછી આસામમાં માત્ર ને માત્ર સ્પેશિયલ મેરેજે એક્ટ હેઠળ જ લગ્ન થઈ શકશે. સ્પશિયલ મેરેજ એક્ટ હેઠળ કોઈ પણ લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવું જ પડે તેથી હવે પછી આસામમાં બધાં જે પણ લગ્ન થશે એ બધાં કોર્ટ મેરેજ જ હશે. હવે મુસ્લિમ સહિતનાં તમામ ધર્મનાં લોકોનાં લગ્ન અને તલાકની નોંધણી જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. આસામની સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવાના નિર્ણયને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની દિશામાં એક મોટું પગલું ગણાવીને દાવો કર્યો છે કે, મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવાથી રાજ્યમાં થતા બાળલગ્નો અટકશે.
કોંગ્રેસ સહિતના પક્ષો આ દેશમાં હિંદુઓને મુસ્લિમો જેટલા જ અધિકાર છે એવી વાતો જોરશોરથી કરે છે. વાત સાચી છે કેમ કે દેશનું બંધારણ બધાંન સમાન જ ગણે છે તો પછી આ મુદ્દે સમાનતાની વાત કેમ નથી કરાતી ? બહુપત્નીત્વની વાત આવે ત્યારે મુસ્લિમોએ હિંદુઓને અનુસરવું જોઈએ એવું કેમ કોઈ કહેતું નથી ? મુસ્લિમોમાં ઘણાં સામાજિક દૂષણ છે કે જેમને મહિલાઓએ કમને સ્વીકારવાં પડે છે. આ દૂષણો દૂર કરીને હિંદુ સમાજ જેવા કાયદા અમલી બનાવવાની વાત આવે ત્યારે મુસ્લિમોને પોતાનો ધર્મ યાદ આવી જાય છે.કોંગ્રેસ અને અજમલ જેવા લોકો મતબેન્કના રાજકારણને વાસ્તે આ બધા ઉધામા કરે છે પણ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવો જરૂૂરી હતો કેમ કે આ એક્ટ ભારતના બંધારણની મજાક સમાન હતો.