અશ્વિને જે નિર્ણય લીધો તે એકદમ યોગ્ય, રોહિત શર્મા
અધવચ્ચેેથી મેચ છોડવા બાબતે કેપ્ટનનું નિવેદન
ટીમ ઈન્ડિયાએ રવિવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઐતિહાસિક જીત મેળવી. ભારતે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનથી ધૂળ ચટાવી. આ ભારતની રનોની દ્રષ્ટીએ ટેસ્ટમાં સૌથી મોટી જીત છે. દિગ્ગજ સ્પિનર આર અશ્વિનને રાજકોટ ટેસ્ટના બીજા દિવસે ફેમિલી ઈમરજન્સીના કારણે મેચ અધવચ્ચે જ છોડવી પડી હતી. અશ્વિનની મમ્મીની તબિયત ખરાબ થઈ હતી જેના કારણે તેમણે આ નિર્ણય લેવો પડ્યો હતો. જો કે તે ચોથા દિવસે ટી બ્રેક પછી મેદાનમાં પરત પણ ફર્યો હતો. તેણે મેચમાં બે વિકેટ લીધી. તેની 500 ટેસ્ટ વિકેટ કમ્પલીટ થઈ ગઈ છે. રાજકોટમાં જીત બાદ ભારતીય કેપ્ટને રોહિત શર્માએ અશ્વિનના પરિવારના ઈમરજન્સી પર મહત્વનું નિવેદન આપ્યું. રોહિતે કહ્યું કે- અશ્વિને જે નિર્ણય લીધો તે બિલકુલ યોગ્ય હતો કેમકે પરિવાર પહેલા આવે છે. કેપ્ટને પોસ્ટ મેચ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- જ્યારે તમે ટેસ્ટ મેચને અધવચ્ચે જ પોતાના સૌથી અનુભવી બોલરને ગુમાવો તો તે વાત આસાન નથી હોતી. અમે ઈચ્છતા હતા કે અશ્વિને તે જ કરવું જોઈએ જે તેમણે યોગ્ય લાગે. રોહિતે વધુમાં કહ્યું કે- તેઓ પરિવારની સાથે રહેવા માગતા હતા, જે એકદમ યોગ્ય નિર્ણય હતો.
આ તેમના અને પરિવાર માટે સારું રહ્યું. આ તે દેખાડે છે કે તેઓ કેટલા ઉમદા ઈન્સાન છે. અમે તેઓ પરત ફર્યા તે અંગે ખુશ છીએ.