અરવિંદ કેજરીવાલને સુપ્રીમમાંથી જામીન, સાડા પાંચ મહિના બાદ જેલ બહાર આવશે
ઈડીના કેસમાં જામીન મળતા સીબીઆઈએ ધરપકડ કરી હતી, 10 લાખના બોન્ડની શરતે જામીન મુક્ત
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને સીબીઆઈના એકસાઈઝ પોલિસી કેસમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. કેજરીવાલ દ્વારા તેની ધરપકડ ગેરકાયદેસર છે અને જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીની અગાઉ સુનાવણી થયા બાદ આજે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ચુકાદામાં અરવિંદ કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીના કથીત શરાબનિતી કૌભાંડમાં જેલ હવાલે છે તેને ધરપકડની કાયદેસરને પડકારતાં જામીન માટે બે અરજી દાખલ કરી હતી. અગાઉ 5 સપ્ટેમ્બરે તેની સુનાવણી હાથ ધરાઈ હતી અને આજે જસ્ટીસ સુર્યકાંત અને ઉજ્જલ ભુયનની બેચે કેજરીવાલને જામીન મુકત કરવાનો ચુકાદો આપ્યો હતો. અગાઉ ઈડી દ્વારા શરાબનીતિ કૌભાંડમાં કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી જેની સામે સુપ્રીમ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા હતાં. પરંતુ જેલ મુકત થાય તે પહેલા જ સીબીઆઈએ તેમની ધરપકડ કરી લીધી હતી. જેથી તે જેલમાંથી બહાર આવી શકયા નહોતા. સીબીઆઈએ ધરપકડ કરતાં કેજરીવાલે 5 ઓગસ્ટનાં રોજ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ ત્યાં રાહત ન મળતાં તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતાં.
અગાઉ સુપ્રીમ કોર્ટ દ્વારા ઈડીના કેસમાં જામીન મળતાં સીબીઆઈએ ફરી 26 જૂને તેમની ધરપકડ કરી હતી. આજે સુપ્રીમે 10 લાખના બોન્ડની શરત સાથે કેજરીવાલને જામીન આપ્યા છે. અરવિંદ કેજરીવાલને 21 માર્ચના રોજ ઈડી દ્વારા ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.