10 લાખની છેતરપિંડીના કેસમાં સોનુ સૂદની ધરપકડનું વોરંટ
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ સામે લુધિયાણાની કોર્ટે છેતરપિંડીના કેસમાં જુબાની આપવાનું ટાળવા બદલ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. હકીકતમાં, સોનુ સૂદને લુધિયાણા સ્થિત વકીલ રાજેશ ખન્ના દ્વારા દાખલ કરાયેલા કેસના સંદર્ભમાં સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જેમાં મોહિત શુક્લા નામના વ્યક્તિ પર 10 લાખ રૂૂપિયાની છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એડવોકેટ ખન્નાએ આરોપ લગાવ્યો હતો કે, શુક્લાએ તેમને નકલી રિજિકા સિક્કાઓમાં રોકાણ કરવા માટે લાલચ આપી હતી. આ કેસમાં અભિનેતા સોનુ સૂદને જુબાની આપવાની હતી. તાજેતરમાં જ ફિલ્મ ફતેહ કરનાર અભિનેતા સૂદને વારંવાર સમન્સ જારી કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે તેમના પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, જેના કારણે કોર્ટે તેમની સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું.
આ વોરંટ મુંબઈના અંધેરી પશ્ચિમમાં આવેલા ઓશિવારા પોલીસ સ્ટેશનને મોકલવામાં આવ્યું છે, જેમાં તેમને અભિનેતાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સોનુ સૂદને સમન્સ અથવા વોરંટ યોગ્ય રીતે બજાવવામાં આવ્યું છે પરંતુ તે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ ગયો છે તમને સોનુ સૂદની ધરપકડ કરવાનો અને તેને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવે છે.