જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સેનાને મળી મોટી સફળતા, એનકાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, એક જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આજે સવારે સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે મંગળવારે કુપવાડાના કોવુતમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે સવારે આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું.
આ એન્કાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલ થયો છે. હાલમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઓપરેશનની માહિતી શેર કરી છે. સેના અને આતંકીઓ વચ્ચે હજુ પણ ગોળીબાર ચાલુ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અહીં 2 થી 3 આતંકીઓ છે, જેમને ગઈકાલે સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ આતંકીઓ ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ સાંબા જિલ્લાના ગ્લાર ગામમાં એક તળાવ પાસે 303 રાઈફલની 49 ગોળીઓ મળી આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં આ બીજી એન્કાઉન્ટર છે. આ પહેલા પૂંછમાં એલઓસી પાસે બટાલ સેક્ટરમાં મંગળવારે સવારે લગભગ 3 વાગે સેના અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં લાન્સ નાઈક સુભાષ કુમાર ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.