રાજધાની દિલ્હીમાં AQI 700ને પાર, ઝેરી હવા અને ધુળનું સામ્રાજય
દેશની રાજધાની દિલ્હીની હવા શુક્રવારે સવારે અત્યંત ઝેરી બની ગઈ છે. સ્વિસ મોનિટર IQ Air ના ડેટા મુજબ, દિલ્હીનો એકંદર એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) તીવ્ર વધારા સાથે 727 પર પહોંચ્યો છે, જે ખતરનાક શ્રેણી સૂચવે છે. દિવાળી બાદ પ્રદૂષણમાં વધારો, પડોશી રાજ્યોમાં ખેતરોના પરાળ બાળવાની ઘટનાઓ અને પવનની ઓછી ગતિને કારણે શહેરમાં ઝેરી ધૂમ્રસેર (સ્મોગ) અને ધૂળનું ગાઢ આવરણ છવાયું છે.
દિલ્હીમાં ઙખ2.5 ના વધારા માટે પરાળ બાળવું મુખ્ય યોગદાનકર્તા બની રહ્યું છે. ઙખ2.5 માં પરાળ બાળવાનો ફાળો શુક્રવારે 36.9% રહેવાનો અંદાજ છે, જે બુધવારે માત્ર 1.2% હતો. સેટેલાઇટ ડેટા દર્શાવે છે કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળ બાળવાના અનેક કેસ નોંધાયા છે. પ્રદૂષણ માટે બીજો સૌથી મોટો ફાળો પરિવહનનો છે, જે શુક્રવારે 11.2% રહેવાની સંભાવના છે.
ગુરુવારે દિલ્હીનો AQI ખૂબ જ નબળી શ્રેણીમાં 311 નોંધાયો હતો, પરંતુ શુક્રવારે તેમાં તીવ્ર વધારો થયો છે. હવાની ગુણવત્તાની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓ અને કાર્યકર્તા જૂથોએ કેન્દ્ર અને દિલ્હી સરકારની નિષ્ફળતાના વિરોધમાં ગુરુવારે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. 80થી વધુ પ્રદર્શનકારીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જોકે, અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે કે દિવસના ઉત્તરાર્ધમાં પવનની ગતિ વધતાં હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જોવા મળી શકે છે.