એટ્રોસિટી કેસમાં પ્રથમ દૃષ્ટિએ ગુનો ન જણાય તો જ આગોતરા જામીન: સુપ્રીમ
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે તાજેતરમાં ચુકાદો આપ્યો છે કે દલિતો સામેના અત્યાચાર સંબંધિત કેસમાં, એટલે કે SC/ST એક્ટ 1989 હેઠળ નોંધાયેલા કેસોમાં, કોઈપણ આરોપીને ફક્ત ત્યારે જ આગોતરા જામીન આપી શકાય છે જ્યારે પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટપણે સાબિત થાય કે આરોપી સામે કોઈ કેસ નથી. એટલે કે, પ્રથમ નજરે જ એ હકીકત સાબિત થવી જોઈએ કે આરોપીએ દલિત સમુદાય સામે કોઈ હિંસા કરી નથી.
મંગળવારે CJI બી.આર. ગવઈ, જસ્ટિસ કે વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદો નબળા વર્ગોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો હતો અને તે આરોપીઓને ધરપકડ પૂર્વે જામીન પર પ્રતિબંધ મૂકે છે. આ સાથે, બેન્ચે જાતિ આધારિત અત્યાચારના આરોપોનો સામનો કરી રહેલા આરોપીને આગોતરા જામીન આપવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો.
બેન્ચે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) કાયદાની કલમ 18નો ઉલ્લેખ કરતા કહ્યું કે આ જોગવાઈ સ્પષ્ટપણે ફોજદારી કાર્યવાહી સંહિતા (ઈછઙઈ) ની કલમ 438 (આગોતરા જામીન આપવા અંગે) લાગુ ન કરવા વિશે છે અને આ કલમ હેઠળ દાખલ કરાયેલી અરજીઓને સુનાવણીમાંથી બાકાત રાખવાની જોગવાઈ કરે છે. કોર્ટે કહ્યું કે આ જોગવાઈ સાથે, SC/ST કાયદાની કલમ 18 આરોપીને આગોતરા જામીન આપવા પર પ્રતિબંધ મૂકે છે.