ભારતમાં 83 ટકા દર્દીઓમાં એન્ટીબાયોટિક કામ કરતી નથી
આડેધડ દવાનો ઉપયોગ, જાતે ડોકટર બની હાઇ-ડોઝ લેવાના કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખતમ થઇ ગઇ છે: લાન્સેટનો રિપોર્ટ
તબીબી જગતની પ્રતિષ્ઠિત જર્નલ ધ લેન્સેટના તાજેતરના એક અહેવાલે ભારતીય આરોગ્ય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતના 83% દર્દીઓ એક ગંભીર ખતરાનો સામનો કરી રહ્યા છે, જેને તબીબી ભાષામાં મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્ટ ઓર્ગેનિઝમ્સ (MDRO) કહેવામાં આવે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આટલી મોટી સંખ્યામાં લોકોના શરીર પર હવે એન્ટિબાયોટિક દવાઓની અસર થવાનું બંધ થઈ ગયું છે. આ સ્થિતિ માત્ર ડોક્ટરો કે હોસ્પિટલો માટે જ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક લાલ બત્તી સમાન ચેતવણી છે.એજીઆઇ હોસ્પિટલના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, ભારત હાલમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ એટલે કે સુપરબગ વિસ્ફોટના કેન્દ્રમાં ઉભું છે.
18 થી 25 નવેમ્બર દરમિયાન ઉજવાતા એન્ટિમાઇક્રોબાયલ સ્ટેવર્ડશિપ વીક નિમિત્તે આ ચોંકાવનારા તારણો રજૂ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં ચાર અલગ-અલગ દેશોના 1,200 થી વધુ દર્દીઓનો ડેટા ચકાસવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું કે અન્ય દેશોની સરખામણીએ ભારતીય દર્દીઓમાં, ખાસ કરીને જેઓ નિયમિત સારવાર લે છે, તેમનામાં દવાઓ પ્રત્યેની પ્રતિકારક શક્તિ ખતરનાક હદે વધી ગઈ છે.
રિપોર્ટના આંકડા આંખ ઉઘાડનારા છે. જ્યાં અન્ય વિકસિત દેશોમાં એન્ટિબાયોટિક્સ કામ ન કરતી હોય તેવા દર્દીઓની સંખ્યા મર્યાદિત છે, ત્યાં ભારતમાં આ પ્રમાણ સૌથી વધુ છે. ભારતમાં 83 ટકા સામે ઇટાલીમાં 31.5 ટકા, અમેરિકામાં 20.1 ટકા અને નેધરલેન્ડમાં માત્ર 10.8 ટકા દર્દીઓ એમડીઆરઓથી પીડીત છે.
આ આંકડા દર્શાવે છે કે ભારતમાં 10 માંથી 8 લોકો પર સામાન્ય એન્ટિબાયોટિક્સ અસરકારક નથી. અઈંૠ હોસ્પિટલ્સના ચેરમેન અને અભ્યાસના સહ-લેખક ડો. ડી. નાગેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે, જ્યારે 80% થી વધુ વસ્તી દવા-પ્રતિરોધક બેક્ટેરિયાનો શિકાર બની ગઈ હોય, ત્યારે આ ખતરો માત્ર હોસ્પિટલની ચાર દીવાલો પૂરતો મર્યાદિત રહેતો નથી; તે આપણા ઘરો અને પર્યાવરણમાં પ્રવેશી ચૂક્યો છે.
જ્યારે સામાન્ય એન્ટિબાયોટિક્સ બિનઅસરકારક બની જાય છે, ત્યારે હોસ્પિટલો અને ડોક્ટરોએ મજબૂરીમાં વધુ શક્તિશાળી દવાઓનો ઉપયોગ કરવો પડે છે. આના બે મોટા ગેરફાયદા છે: એક તો સારવારનો ખર્ચ અનેકગણો વધી જાય છે અને બીજું, આવી દવાઓની આડઅસરો પણ વધુ હોય છે.
મુસીબત ઉભી થવાના કારણો
આ રિપોર્ટ અનુસાર, આ ગંભીર કટોકટી માટે આપણી રોજિંદી સ્વાસ્થ્ય સંબંધિત કુટેવો જવાબદાર છે.
આડેધડ દવાનો ઉપયોગ: ડોક્ટરની સલાહ લીધા વગર મેડિકલ સ્ટોર પરથી સીધી એન્ટિબાયોટિક્સ ખરીદવી.
અધૂરો કોર્સ: એન્ટિબાયોટિક્સનો કોર્સ પૂરો કર્યા વિના વચ્ચેથી જ દવા બંધ કરી દેવી.
સેલ્ફ-મેડિકેશન: સામાન્ય બીમારીમાં પણ જાતે જ ડોક્ટર બનીને હાઈ-ડોઝ દવાઓ લેવી. આ તમામ કારણોસર બેક્ટેરિયા મજબૂત બની ગયા છે અને હવે દવાઓ સામે લડતા શીખી ગયા છે.