સંસદની સુરક્ષામાં ફરીવાર ચૂક: દીવાલ કૂદી પરિસરમાં પ્રવેશનારો શખ્સ ઝડપાયો
સંસદ ભવનની સુરક્ષામાં ફરી એકવાર મોટી ચૂક સામે આવી છે. શુક્રવારે એક વ્યક્તિ સંસદ ભવનના પરિસરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો. હજુ સુધી આરોપીની ઓળખ થઈ શકી નથી, અને તે સંસદ ભવનમાં કેવી રીતે ઘૂસ્યો તેની તપાસ ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીએ સંસદ ભવનના પરિસરની નજીકના ઝાડ પર ચડીને દિવાલ સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી કૂદીને પરિસરમાં પ્રવેશ કર્યો હતો.
આ પહેલા, 13 ડિસેમ્બર 2023ના રોજ પણ સંસદ ભવનની સુરક્ષામાં ચૂકનો એક કિસ્સો સામે આવ્યો હતો. તે દરમિયાન સંસદની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે કેટલાક યુવકો સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને રંગીન ધુમાડો ફેલાવીને હંગામો મચાવ્યો હતો.
આ ઘટનાને પગલે સંસદની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસ પાસેથી લઈને CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ)ને સોંપવામાં આવી હતી. 2023ની સંસદ સુરક્ષા ચૂકની ઘટનામાં પોલીસે છ આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછ દરમિયાન પોલીસ સામે ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટનાનો માસ્ટરમાઈન્ડ લલિત ઝા હતો, જેણે પોતાના સાથીઓ સાથે મળીને સંસદની અંદર અને બહાર હંગામો મચાવવાની અને બધાનું ધ્યાન આકર્ષિત કરવાની યોજના બનાવી હતી.
હાલની ઘટનામાં, પોલીસ આરોપીની ઓળખ અને તેના સંસદ પરિસરમાં ઘૂસવાના હેતુની તપાસ કરી રહી છે. આ ઘટનાએ સંસદ ભવનની સુરક્ષા વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. સંસદની સુરક્ષા માટે CISF દ્વારા લેવામાં આવેલા પગલાં અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટેની યોજનાઓ પર પણ ચર્ચા શરૂૂ થઈ છે.