હિમાચલમાં વાદળ ફાટવાથી ભૂસ્ખલનની વધુ એક ઘટના: 45 તણાયા, 13નાં મોત
ચંદીગઢ-મનાલી હાઇવે ઉપર વહેલી સવારે બનેલી ઘટના
હિમાચલ પ્રદેશમાં ભુસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે ચંદીગઢ-મનાલી નેશનલ હાઇવે ઉપર મંડી જિલ્લામાં વાદળ ફાટવાની વધુ એક ગોઝારી ઘટના બની છે અને તેમાં 13 લોકોનાં મોત નિપજયાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાહેર થયું છે. આ ઘટનામાં કુલ 45 લોકો વહી ગયા હતા. તેમાંથી 13ના મૃતદેહો આજે સવારે મળી આવ્યા છે. જયારે કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે અને લાપતા લોકોની શોધખોળ માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સતાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ત્રણેક વાગ્યે મંડી જિલ્લામાં ચંદીગઢ-મનાલી હાઇવે ઉપર 9 માઇલના માઇલસ્ટોન નજીક પર્વત ઉપર વાદળ ફાટવાથી ભુસ્ખલન થયું હતું.
આ ભુસ્ખલનમાં એક ટ્રક અને પીકઅપ વાન ઉપર પર્વતની શીલાઓ અને કાટમાળ ખાબકયો હતો. જો કે બન્ને વાહનના ચાલકો બચી ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ હાઇવે ઉપર મંડી જિલ્લાના સમેજ અને બાગી બ્રિજ વચ્ચેના શ્રીખંડ વિસ્તારમાં ભુસ્ખલનની આ ઘટના બની હતી જેમાં આ વિસ્તારમાં કાચા મકાનોમાં રહેતા 45 લોકો વહી ગયા હતા જેમાંથી આજે સવારે 13ના મૃતદેહો મળી આવ્યા છે. જયારે કેટલાક બચી ગયા છે અને કેટલાક લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.