બિહારમાં અનંતસિંહની ધરપકડ, નીતીશ માટે બાવાના બેઉ બગડ્યા
બિહારમાં વિધાનસભા ચૂંટણીના કારણે ગરમીનો માહોલ છે જ ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યા થતાં ગરમી વધી છે. દુલારચંદ યાદવની હત્યાના કેસમાં પોલીસે મોકામા વિધાનસભા બેઠકના જેડીયુના ઉમેદવાર અનંતસિંહને અડધી રાત્રે ઉઠાવીને જેલમાં નાંખી દીધા છે. રાજકારણી કમ ગેંગસ્ટર અનંતસિંહ દુલારચંદની હત્યા વખતે સ્થળ પર હાજર હતા એવો પોલીસનો આક્ષેપ છે. બિહારમાં જેડીયુના નીતીશ કુમારની સરકાર છે અને નીતીશ જ અનંતસિંહને જેલમાંથી બહાર લાવીને ચૂંટણી લડાવી રહ્યા છે તેથી દુલારચંદ યાદવની હત્યાના કેસમાં અનંતને કશું કરવાની નીતીશની ઈચ્છા નહોતી પણ કેન્દ્રીય ચૂંટણી પંચે ફરમાન કરતાં બિહાર પોલીસે અનંત સિંહને જેલભેગો કરવો પડ્યો છે. દુલારચંદ યાદવો પર પ્રભુત્વ ધરાવતા નેતા હતા. તેમની હત્યાના કારણે યાદવો ભડકેલા જ છે તેથી નીતીશ મુશ્કેલીમાં હતા જ ત્યાં અનંતસિંહની ધરપકડ થતાં નીતિશની મુશ્કેલી વધી છે.
નીતીશ ભૂમિહારોના મત મેળવવા માટે અનંતસિંહને જેલની બહાર લાવેલા પણ ચૂંટણીના બે દાડા પહેલાં જ અનંતસિંહ જેલભેગા થતાં ભૂમિહારો પણ નારાજ થઈ ગયા છે. આ કારણે નીતિશ માટે બાવાનાં બેઉ બગડ્યાં જેવો ઘાટ છે. બિહારના રાજકારણમાં ભૂમિહારો શક્તિશાળી ગણાય છે. પોતાને બ્રાહ્મણ ગણાવતા ભૂમિહારો પાસે પહેલેથી મોટા પ્રમાણમાં જમીનો છે તેથી જાડો પૈસો છે. જમીનદાર હોવાના કારણે મસલ પાવર પણ છે. મસલ અને મની પાવરના જોરે ભૂમિહારો ઓછી વસતી છતાં બિહારના રાજકારણમાં બહુ પ્રભાવશાળી ગણાય છે. પરંપરાગત રીતે ભૂમિહારો ભાજપની મતબેંક છે ને ઓબીસી નીતીશને બહુ પસંદ કરતા નથી.
નીતીશે આ નારાજગી દૂર કરવા અનંત સિંહ સહિતના નેતાઓને સાધ્યા પણ દુલારચંદ યાદવની ધરપકડે ખેલ બગાડી નાંખ્યો. પ્રશાંત કિશોરે મોકામામાં બીજા ગેંગસ્ટર પીયૂષ 1 પ્રિયદર્શી પ્રિયદર્શીની ઉર્ફે લલ્લુ મુખિયાને મેદાનમાં ઉતાર્યા છે. લલ્લુ મુખિયા ધનુક સમાજના છે અને અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવે છે. મોકામામાં ધનુકોની વસતી બહુ નથી પણ દુલારચંદ સહિતના નેતાઓને સાધીને પી.કે.એ ઓબીસીને એક કર્યા છે. સામે નીતીશે અનંત સિંહને અને આરજેડીએ બીજા એક ગેંગસ્ટર સૂરજભાણસિંહનાં પત્ની નીલા દેવીને ટિકિટ આપી છે. દુલારચંદ પી.કે. સાથે ગયા પછી અનંતસિંહ સામે બાંયો ચડાવીને પૂરી તાકાતથી ઉતરી ગયેલા. લાંબા સમયથી સોશિયલ મીડિયા પર અનંતસિંહ સામે પોસ્ટ મૂક્યા કરતા હતા અને તેના કારણે બંને વચ્ચે તણાવ વધ્યો હતો. આ તણાવના કારણે જ દુલારચંદની હત્યા થઈ હોવાનું કહેવાય છે. દુલારચંદના પરિવારજનોનો આક્ષેપ છે કે અનંત સિંહના સમર્થકોએ પહેલાં દુલારચંદ યાદવના પગમાં ગોળી મારી હતી અને પછી કારથી કચડી નાખ્યા.
