લિવ-ઇન રિલેશનના ચક્કરમાં ન પડવા આનંદીબેનની સલાહ
શિક્ષણ સંસ્થાઓમાં દારૂ-ડ્રગ્સનું દુષણ ચાલુ રહે તો યુનિવર્સિટીઓ જ બંધ કરી દેવી જોઇએ: યુ.પી. રાજ્યપાલનો આક્રોશ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના એક નિવેદન પર હાલમાં ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આનંદીબેન પટેલ મંગળવારે બલિયામાં જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીમાં સાતમાં દીક્ષાંત સમારોહમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓ ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન તેમણે દીકરીઓ પર ઘણી બધી વાત કરી અને તેમને સલાહ પણ આપી.
આનંદીબેન પટેલે યુનિવર્સિટીઓ અને શિક્ષણના સ્તર વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આજકાલ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ભણવા આવતા જ નથી અને શિક્ષકોએ પણ ભણાવવાનું બંધ કરી દીધું છે. હવે વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેવા લાગ્યા છે અને આ બધું બલિયાથી મેરઠ સુધી જોયું છે. યુનિવર્સિટીમાં એક છોકરો અને એક છોકરી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હોય છે, ડ્રગ્સનું સેવન કરતા હોય છે, અને ત્યાંથી દારૂૂની બોટલો પણ મળતી હોય છે. ભારત સરકાર ડ્રગ્સ મુક્તની ઝુંબેશ ચલાવે છે અને બીજી બાજુ યુનિવર્સિટીમાં જ બાળકો ડ્રગ્સ લેતા હોય, જો આ બધું ચાલુ રહે તો યુનિવર્સિટીઓ બંધ કરી દેવી જોઈએ.
તેમણે યુવાનોને, ખાસ કરીને દીકરીઓને, લિવ-ઇન રિલેશનશિપમાં ન પડવાની કડક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જો કોઈ દીકરી લિવ-ઇન રિલેશનશિપમાં પડવા માંગતી હોય અને તેના પરિણામ જોવા માંગતી હોય, તો તેમણે અનાથાલય જઈને જોવું જોઈએ. ત્યાં 15 કે 20 વર્ષની દીકરીઓ એક-એક વર્ષના બાળકને ખોળામાં લઈને ઊભી હોય છે, અને આ બાળકને જન્મ કોણે આપ્યો તે મોટો સવાલ છે. આ આપણું શિક્ષણ નથી અને યુનિવર્સિટીમાં આ બધું ન થવું જોઈએ. કોઈ લાલચ ન કરવી જોઈએ.
ભાષણ દરમિયાન દુ:ખ વ્યક્ત કર્યું કે એક તરફ નશા મુક્ત ભારત બનાવવા માટે પ્રધાનમંત્રી કે હોમ મિનિસ્ટર દ્વારા અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે, અને બીજી તરફ યુવા ડ્રગ્સ લે છે. જોકે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે ઉત્તર પ્રદેશના દરેક યુવા ડ્રગ્સ છોડશે અને દારૂૂ પીવાનું બંધ કરી દેશે ત્યારે તેમને સાચી ખુશી થશે. બીજી તરફ ગુજરાતના કલ્ચરની વાત કરતા જણાવ્યું કે ગરબાની વચ્ચે લોકો કિસ કરતા દેખાતા હતા અને રસ્તા વચ્ચે પાર્ટીમાં મહિલાઓ નાચી રહી હતી, જે દર્શાવે છે કે આપણે તેનાથી પણ ખૂબ આગળ વધી ગયા છીએ.
વર્તમાન સમયમાં, યુનિવર્સિટીમાંથી દારૂૂની બોટલો મળવી અને યુવાનોનું આ રવાડે ચડવું એ દેશનું ભવિષ્ય નક્કી કરનાર યુવાનો માટે ચિંતાનો વિષય છે. યુવાનોમાં ભણવા કરતાં બીજી બધી વસ્તુઓમાં વધારે રસ હોય તેવા અનેક ઉદાહરણો સામે છે.