15 ઓગસ્ટ પૂર્વે દિલ્હીમાંથી ISISનો આતંકવાદી ઝડપાયો
રિઝવાન ઉપર રૂા.3 લાખનું હતું ઇનામ
પુણે આઇએસઆઇએસ મોડ્યુલ સાથે જોડાયેલા વોન્ટેડ આતંકવાદીની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પુણે આઇએસઆઇએસ મોડ્યુલ સાથે જોડાયેલા અને 3 લાખ રૂપિયાની ઇનામ ધરાવતા રિઝવાન અલીની શુક્રવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી હતી. 15મી ઓગષ્ટ પૂર્વે જ આતંકી ઝડપાતા એજન્સીઓ સર્તક બની ગઇ છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શુક્રવારે વહેલી સવારે પુણે આઇએસઆઇએસ મોડ્યુલના મુખ્ય સભ્ય રિઝવાન અબ્દુલ હાજી અલીની ધરપકડ કરી હતી. 3 લાખનું ઈનામ ધરાવનાર અલી જૂથમાં સૌથી કુખ્યાત વ્યક્તિ માનવામાં આવતો હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ અલીની ધરપકડ માટે વોરંટ જારી કર્યું હતું. તે પુણે પોલીસની કસ્ટડીમાંથી ભાગી ગયો ત્યારથી એજન્સીઓ તેને શોધતી હતી.
દિલ્હીના દરિયાગંજના રહેવાસી અલીએ પુણે આઇએસઆઇએસ મોડ્યુલના અન્ય સભ્યો સાથે દિલ્હી અને મુંબઈમાં અનેક હાઈ-પ્રોફાઈલ ટાર્ગેટ્સની કથિત તપાસ હાથ ધરી હતી. પોલીસે અલીના કબજામાંથી હથિયારો જપ્ત કર્યા છે. પુણે આઇએસઆઇએસ મોડ્યુલના ઘણા સભ્યોની પુણે પોલીસ અને એનઆઇએ દ્વારા ભૂતકાળમાં ધરપકડ કરવામાં આવી છે.