બંગાળના સંદેશખાલીમાં હિંદુ-મહિલાઓ પર રેપના આક્ષેપની નિષ્પક્ષ તપાસ જરૂરી
લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ પશ્ર્ચિમ બંગાળમાં ફરી હિંસા-ધમાલ શરૂૂ થઈ છે અને આ વખતે કેન્દ્રસ્થાને દક્ષિણ 24 પરગણા જિલ્લાનું સંદેશખાલી છે. સંદેશખાલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના ગુંડા બળજબરીથી હિંદુઓની જમીનો પચાવી પાડે છે અને હિંદુ સ્ત્રીઓની જાતીય સતામણી કરે છે એવા આક્ષેપો સાથે મહિલાઓ ઘણા દિવસોથી દેખાવો કરી રહી છે. ભાજપે આ મુદ્દાને ઉઠાવી લીધો અને વિધાનસભામાં ધમાલ કરી મૂકી. ભાજપના નેતા સંદેશખાલીમાં પણ ઊતરી પડ્યા છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સહિતના ભાજપના નેતાઓએ સંદેશખાલી પહોંચીને તૃણમૂલ કોંગ્રેસની સરકાર મુસ્લિમ ગુંડાઓને છાવરી રહી છે એવા આક્ષેપો સાથે ધમાધમી કરી મૂકી છે. બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ પણ આ મામલામાં કૂદ્યા છે અને સંદેશખાલી મુદ્દે રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે. બોઝ પોતે પણ સંદેશખાલી પહોંચી ગયા અને લોકોને મળીને તેમની ફરિયાદો સાંભળીને મમતા સરકારને ઝાટકી નાખી છે.
સ્મૃતિ ઈરાનીએ કરેલા આક્ષેપો ગંભીર છે. સ્મૃતિ ઈરાનીનો દાવો છે કે, સ્થાનિક પત્રકારોએ પોતાને કહ્યું છે કે, સંદેશખાલીમાં પછાત મનાતી માછીમાર, ખેતમજૂર, દલિત જ્ઞાતિની હિંદુ મહિલાઓ પર તૃણમૂલ કોંગ્રેસના ગુંડા નિયમિત રીતે બળાત્કાર ગુજારે છે.
સ્મૃતિના આક્ષેપો સાચા હોય તો કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ અને મમતા બેનરજી સરકારને સસ્પેન્ડ કરી દેવી જોઈએ. જે સરકાર સ્ત્રીઓની રક્ષા ના કરી શકતી હોય, હવસખોરોથી તેમને બચાવી ના શકતી હોય એ સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ આક્ષેપો સાચા ના હોય તો ? તો ભાજપ માટે શરમજનક કહેવાય. રાજકીય ફાયદા માટે હિંદુ સ્ત્રીઓની ઈજ્જતના મુદ્દાને ઉછાળવાની હરકત બદલ સ્મૃતિ સામે પગલાં લેવાં જોઈએ.