30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી ઠાલવાતા આખું ગામ વહી ગયું
ઉત્તરકાશીના ધરાલીમાં આવેલા પ્રલયમાં 12નાં મોત, 11 જવાનો સહિત 200 લોકો લાપતા
અચાનક આવેલા શૈલાબમાં હોટેલો-દુકાનો- મકાનો વહી ગયા, મોટા પાયે બચાવ રાહત ઓપરેશન
દેવોની ભૂમિ ઉતરકાશીના ધરાલીમાં ખીરગંગા નદી ઉપર વાદળ ફાટવાની ઘટનાના પગલે પ્રલય જેવી સ્થિતિ સર્જાયેલ છે. માત્ર ત્રીસેક સેક્ધડમાં જ પહાડો પરથી આવેલા ધસમસતા પૂરના કારણે 12 થી વધુ લોકોના મોત નિપજયા છે. જયારે 11 જવાન સહીત 200થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલો મળે છે. બીજી તરફ તંત્ર દ્વારા મોટાપાયે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું છે. સતત વરસાદના કારણે બચાવ-રાહત કાર્યમાં અવરોધ આવી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીએ આજે સવારે હવાઇ નિરિક્ષણ કર્યું હતું.
આજે સવારે જાહેર થયેલી વિગતો મુજબ છેલ્લા 65 વર્ષની આ સૌથી મોટી દુર્ઘટના છે. આ ભયાનક પ્રલયમાં મકાનો-હોટેલો- દુકાનો વહી ગયા હતા. માત્ર 30 સેક્ધડમાં 300 કરોડ લીટર પાણી એક જ સ્થળે ઠાલવાઇ જતા આ પ્રલય આવ્યો હોવાનું જણાવાયું છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. 200થી વધુ લોકો ગુમ થયાના સમાચાર છે. ભારતીય સેનાનું કહેવું છે કે 9 સૈનિકો પણ ગુમ થયા છે. વાદળ ફાટ્યા પછી ઘરો, દુકાનો, બજારો અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. હવામાન ખરાબ છે, સતત વરસાદ પડી રહ્યો છે, તેથી બચાવ કામગીરી ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. ધરાલી અને સુખી ટોપ વિસ્તારમાં બે વાદળ ફાટ્યા, જેની અસર ધરાલી ગામ પર જોવા મળી હતી. ગણતરીની સેક્ધડોમાં જ આખુ ગામ તબાહ તઇ ગયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં ભયનો માહોલ છે.
ઉત્તરકાશીમાં આ ઘટના બાદ મોટા પાયે શોધ અને રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ઘટનાથી સવાર સુધી 130થી વધુ લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પાસેથી સતત સમાચાર મેળવી રહ્યા છે.
બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય સેના, ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ઘણી ટીમો તૈનાત છે. ઉત્તરાખંડ સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 130થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ભારતીય વાયુસેનાના ચિનૂક, Mi-17 V5, ALH અને ચિત્તા હેલિકોપ્ટર ચંદીગઢ એરબેઝ પર ઉડાન ભરવા માટે તૈયાર છે, ખરાબ હવામાનને કારણે તેઓ ઉડાન ભરી શકતા નથી. હવામાન સુધરતા જ આ હેલિકોપ્ટર સાધનો અને રાહત સામગ્રી સાથે ઉત્તરકાશી જશે.