આત્મવિશ્વાસના જોરે આગળ વધતી અદાકારા: ડોનલ બિષ્ટ
રાજસ્થાનનાં અલ્વર શહેરની ડોનલ બિષ્ટ પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કરીને તેનાં મમ્મી, પપ્પા જોડે નોઈડા જતી રહી. કોલેજ માટે મુંબઈ પર પસંદગી ઉતારી. નાની ઉંમરે પોતાના દમ પર આ ભારતીય અભિનેત્રી ટૂંકાગાળાનાં સમયમાં જ ટીવી પર, વેબ સિરીઝમાં, બિગ બોસમાં તેમજ ફિલ્મનાં પરદા સુધી પહોંચનાર ડોનલ અતિ આત્મવિશ્વાસ ધરાવતી એક મહા અદાકારા છે. ડોનલ બિષ્ટ માત્ર અભિનેત્રી જ નહીં, પરંતુ એક દ્રઢ ઈરાદા અને પોતાનો માર્ગ જાતે બનાવનાર સ્ત્રી છે.
કોલેજ પૂરી કરીને નોકરી પણ કરવા લાગી હતી, પરંતુ આ અરસામાં તેણીએ પોતાની અંદર છુપાયેલા ટેલેન્ટને બહુ મિસ કર્યું. પોતે પોતાની અંદર રહેલી અદ્રશ્ય તાકાતને શોધવા લાગી અને કામયાબ પણ નીવડી. પેરેન્ટ્સને મનાવતા મનાવતા ચાર વર્ષ લાગી ગયા આખરે તેમણે દીકરીને ગમતા ક્ષેત્રમાં ઝઝૂમવા હા પાડી. ડોનલ વધુમાં જણાવતા કહેવા લાગી, હું તો ખુશીઓથી ઝૂમતી જ ઓડિશન આપવા લાગી અને જોગાનુજોગ મારુ સિલેકશન પણ થઈ ગયું.
આ અભિનેત્રીએ કલર્સ, સોની, બાલાજી, સ્ટાર પ્લસ વગેરેમાં દિવસ રાત કામ કરીને રાતોરાત સફળતા મેળવી લીધી. ડોનલ સાથેની વાતચીતમાં આત્મવિશ્વાસ ભારોભાર છલકાતો જોવા મળે છે. ડોનલ પોતાના અલગ રોલ, આગવી પ્રતિભા અને ચહેરા પર ગજબ તાજગી સાથે લાવણ્યકારી અદાથી દર્શકોનાં દિલ પર રાજ કરવા લાગી.
એક દીવાના થા સિરિયલ માટે વાત કરતાં ડોનલ કહે છે, દીકરીઓ પણ બિઝનેસ કરી શકે છે, ઉંચી પોસ્ટની નોકરી કરી શકે છે, સાથે સાથે પરિવારને પણ સંભાળી શકે છે. તો અહીં દીકરા દીકરીઓમાં ફર્ક શા માટે?? દીકરાઓ પણ ધારે તો ઘરે થોડી તો થોડી મદદ કરી જ શકે ને?? બંને સાથે રહીને જો ધારે તો ઘર કે બિઝનેસના કામ સાથે કરી શકે છે. આ સિરિયલની કંઈક અલગ જ કહાનીનાં લીધે ડોનલનાં ચાહકો વધવા લાગ્યા.
વધુમાં ડોનલ જણાવે છે, ગમે એવડી બીમારી આવે તો પણ શુટિંગ તો કરવાનું જ. ગમે તે મુસીબત આવે ક્યારેય આપણું કામ અટકવું ના જોઈએ. ડોનલની સૌથી સાચી અને ખાસ વાત જે મારાં દિલને પણ સ્પર્શી ગઈ, ડોનલ પોતાને ખૂબ આગળ લઈ જવા પોતાની અંદરની આગને બહાર કાઢતી. સફળતા મેળવ્યા પછી પણ શાંત નહીં બેસનારી ડોનલ વધુમાં જણાવે છે, હું ફિલ્મ જગતમાં અત્યારે પ્રવેશી ચુકી છું, તેમ જ આગળ જતા એ દુનિયામાં પણ હું રાજ કરીશ. આ માટે મારે ગમે એટલી મહેનત કરવી પડે એ હું કરીશ. આટલા વિશ્વાસથી કોઈ યુવાન અદાકારા વાત કરે ત્યારે એવું લાગે કે આજના યુવાનો જો ધારે તો શું ના કરી શકે. આત્મવિશ્વાસ કેળવશે તો દરેક યુવાન તેના ફિલ્ડમાં સફળ થાય જ.
આ અદાકારા જયારે કોઈ મોટી હસ્તીને જોતી ત્યારે એવું લાગે કે કોઈપણ બિઝનેસ ઈમ્પોસિબલ નથી. જો તમારામાં એ પામવાની લગન, તાકાત હોય તો કોઈ, કંઈ પણ બની શકે છે. આ માટે અંદરથી જ આગ ભભુકવી જોઈએ. તેણીને એકવાર પગમાં ફ્રેક્ચર આવ્યું હતું તો ત્રણ મહિના ચાલવાનું જ બંધ હતું. ચાલવાની મનાઈ અને ઝખ્મનાં લીધે દુ:ખાવો અસહ્ય હતો છતાં સ્વિમિંગ ચાલું કર્યું, ઘણી બૂક્સ વાંચી, મેડિટેશન પણ કર્યું. થોડા સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરી કામે લાગી ગઈ. ડોનલને સમય વેડફવો બિલકુલ પસંદ નથી.
ડોનલ પોતાના પેરેન્ટ્સ વિશે જણાવતા કહે છે, મને નાનપણથી જ એવી વાર્તા કહેતા, જેમાં માણસમાં માણસાઈ હોવી ખૂબ જરૂૂરી છે. ત્યારે કંઈ ના સમજાતું પરંતુ, આજે સમજાય છે કે માણસ પ્રકૃતિથી સારો હોય તો દુનિયા જીતવી ખૂબ સરળ બની જાય છે.
સ્ત્રી વિશે અદાકારા જણાવે છે, એક સ્ત્રીને હજાર તકલીફો પડે ત્યારે મનથી મજબૂત થવું અત્યંત જરૂૂરી છે. આપ સ્ત્રી છો તો પુરુષો તંગ કરશે જ, આ પરિસ્થિતિને હેન્ડલ કરવા પોલીસની મદદ લો, પેરેન્ટ્સને બતાવો, ભાઈને બતાવો. બસ ચૂપ રહેવું પસંદ ના કરો. ઘણીવાર સ્ત્રી જો અતિશય પ્રતિક્રિયા આપે તો પુરુષો પણ હેરાન થતાં હોય છે. તો કંઈ રીતે મામલો સમજવો એ જરૂૂરી છે. ડોનલ કહે છે, સ્વતંત્ર સ્ત્રી હોવું મતલબ સ્ત્રીને સ્ત્રી જ રહેવું જોઈએ, પુરુષ બનવાની ઘેલછા જ ના હોવી જોઈએ. સ્ત્રી દુર્ગા પણ છે સ્ત્રી લક્ષ્મી પણ છે. તો શા માટે પુરુષ સમોવડી બનવું જોઈએ. સમકક્ષ બનવા માટે સ્ત્રી હોવું જ કાફી છે.
- રાજેશ્રી ઠુંમર