એમોનિયમ નાઇટ્રેટ નેપાળ-ભૂતાનથી આવ્યું હતું: હજુ પણ 300 કિલો જથ્થો શોધવા કવાયત
દિલ્હીના લાલ કિલ્લા પાસે સોમવારે થયેલા કાર બ્લાસ્ટની ચાલી રહેલી તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 300 કિલો એમોનિયમ નાઈટ્રેટનો હજુ પણ કોઈ હિસાબ નથી. ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ તપાસ હેઠળ પોલીસે અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએથી લગભગ 2,900 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યો છે. જોકે, બાકીનો ક્ધસાઇનમેન્ટ હજુ પણ ગુમ છે, જેના કારણે અનેક રાજ્યોમાં ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી થઈ છે.
સૂત્રોએ જણાવ્યું છે કે સુરક્ષા એજન્સીઓ માટે હવે ટોચની પ્રાથમિકતા ગુમ થયેલા 300 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટને શોધી કાઢવાની અને હાલમાં તેના કબજામાં રહેલા લોકોની ઓળખ કરવાની છે. અત્યાર સુધીમાં, એજન્સીઓએ અનેક છુપાયેલા સ્થળોએથી લગભગ ત્રણ ટન વિસ્ફોટક જપ્ત કર્યા છે. જોકે, અધિકારીઓ માને છે કે કેટલાક ભાગો હજુ પણ અજાણ્યા સ્થળોએ છુપાયેલા છે, અને તેમને શોધવા માટે દેશવ્યાપી દરોડા ચાલુ છે.
તપાસકર્તાઓને જાણવા મળ્યું છે કે એમોનિયમ નાઈટ્રેટનો માલ બાંગ્લાદેશ અને નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશ્યો હતો. ધરપકડ કરાયેલા આતંકવાદીઓએ સરહદ પારથી દાણચોરી કરતા પહેલા ખાતર કંપનીમાંથી પદાર્થ ચોરી લીધો હતો. પ્રારંભિક તારણો સૂચવે છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓના મોડ્યુલે અયોધ્યા અને વારાણસી સહિત ઉત્તર પ્રદેશમાં ધાર્મિક અને હાઇ-પ્રોફાઇલ સ્થળો પર હુમલાઓનું આયોજન કર્યું હતું.