અમિત શાહ પીએમ બનવા આતુર પણ મોદી નહીં થવા દે: રાઉત
ભાજપમાં ટાંટિયા ખેંચની રમત ચાલતી હોવાનો ઉદ્ધવ જૂથના નેતાનો આક્ષેપ
ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે (જુલાઈ 27) એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમિત શાહને ક્યારેય વડા પ્રધાનપદની રેસમાં આવવા નહીં દે. રાઉતે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, ભાજપમાં વડા પ્રધાન પદ માટે આંતરિક હું-હુંની દોડ ચાલી રહી છે, જેમાં અમિત શાહ પણ પીએમ બનવાની મહત્વાકાંક્ષા ધરાવે છે.
સંજય રાઉતનો મુખ્ય દાવો એ હતો કે, આ લોકો નરેન્દ્ર મોદીને નિવૃત્ત કરવા માંગે છે, અમિત શાહ પણ તેમાં સામેલ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભાજપમાં વડા પ્રધાન પદ માટે એક અંદરખાને દોડ ચાલી રહી છે, જેમાં નેતાઓ એકબીજાના પગ ખેંચી રહ્યા છે. રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમિત શાહને વડા પ્રધાન બનવાની મહત્વાકાંક્ષા છે.
તેમના મતે, અમિત શાહને લાગે છે કે મોદીજી પછી તેમનો વારો છે, જ્યારે રાજનાથસિંહ જેવા અન્ય નેતાઓને પણ સમાન લાગણી છે. રાઉતે ચેતવણી આપી કે, આ હું-હુંની ભાવના ભાજપને નુકસાન પહોંચાડશે. જોકે, રાઉતે તરત જ ઉમેર્યું કે, પરંતુ કોઈ પણ સંજોગોમાં નરેન્દ્ર મોદી અમિત શાહને વડા પ્રધાનપદની રેસમાં ઉતરવા નહીં દે.
તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર બોલતા સંજય રાઉતે તેને માત્ર એક સામાન્ય ઘટના ગણાવી નહોતી. તેમણે કહ્યું કે, નસ્ત્રઆ સપ્ટેમ્બરનું રાજકારણ છે. સપ્ટેમ્બરમાં જે રાજકીય રમતો થવા જઈ રહી છે તે જગદીપ ધનખડના રાજીનામાથી શરૂૂ થઈ રહી છે.