ટેકાના ભાવની રામાયણ વચ્ચે ખેડૂતોને વધુ એક ડામ : NPKમાં થેલીએ 250નો વધારો
રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ઇફ્કોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો હતો. રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોના ભાવમાં 250 રૂૂપિયાનો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એનપીકે 10-26-26ના ભાવમાં રૂૂપિયા 250 તો એનપીકે 12-32-16ના ભાવમાં રૂૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પ્રતિ 50 કિલો રાસાયણિક ખાતરની થેલીના ભાવ 1,720 રૂૂપિયા થયા હતા. આ નવો ભાવ વધારો ત્રણ જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો.
રાસાયણિક ખાતરમાં વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. રવિ અને ખરીફ વાવેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. રાજ્યમાં અંદાજે 7 લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે.
કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ વિઠ્ઠલ દૂધાત્રાએ કહ્યું હતું કે ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખેડૂત નેતા જયેશ પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો પોસાય તેમ નથી. ખાતરના ભાવ વધારાથી ખેડૂતોને મોટો ઝટકો લાગશે.
કિસાન સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે. પટેલે કહ્યું હતું કે ખાતર પરનો ભાવ વધારો અયોગ્ય છે. આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યુ હતું કે ભાજપ સરકારમાં ખેડૂતને વધુ એક ઝટકો પડ્યો છે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો હતો. ભાવ વધારાનું કારણ સરકારે જાહેર કરવું જોઇએ. દર વર્ષે બિયારણ અને ખાતરના ભાવ વધે છે. રાજ્યમાં નકલી બિયારણનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સરકારનો ખેડૂત પ્રત્યેનું વર્તન યોગ્ય નથી.