સાત દિવસમાં શિવલિંગ પીગળી જતાં અમરનાથ યાત્રીઓ નિરાશ
રક્ષાબંધન સુધી દર્શન ચાલુ રહેશે કે કેમ તે વિશે શંકા
અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે. ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રધ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. આવનારા દિવસોમાં યાત્રાએ જનારા ભક્તો અસમંજસભરી સ્થિતિમાં છે કે, અમરનાથ યાત્રાએ જવું કે નહિ. તો સાથે જ ટુર ઓપરેટર્સ પણ મૂંઝવણમાં મૂકાયા છે. સૌપ્રથમવાર યાત્રા શરૂૂ થયાના સાત જ દિવસમાં શિવલિંગ પીગળી ગયું છે.
હવે માત્ર રક્ષાબંધન સુધી યાત્રા ચાલુ રહી શકે તેવી સ્થિતિ છે. પવિત્ર શ્રાવણ માસ પહેલા જ શિવલિંગ પીગળી જતાં આવનારા દિવસોમાં યાત્રાએ જવાનું આયોજન કરનારા ભક્તો અસમંજસભરી સ્થિતિમાં મુકાયા છે.
યાત્રાળુઓમાં વહેલી તકે દર્શન કરવા માટે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આંકડા દર્શાવે છે કે અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકોએ શિવલિંગના દર્શન કર્યા છે.
ઝડપથી પીગળવાની બાબતએ યાત્રાળુઓથી લઈને સ્થાનિકો સુધી બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
ખાસ વાત એ છે કે કાશ્મીર ખીણમાં તીવ્ર ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ કહે છે કે હવે તેમણે અનુમાન લગાવવાનું બંધ કરી દીધું છે કે શિવલિંગ કેટલો સમય રહેશે. એક વરિષ્ઠ સભ્યએ કહ્યું, પદર વર્ષે શિવલિંગ ઝડપથી પીગળે છે.થ તેમણે કહ્યું, વર્ષો પહેલા તે ઓગસ્ટ સુધી રહ્યું હતું. હવામાન વિશે કોઈ નિશ્ચિતતા નથી. ક્યારે શું થશે તેની આપણે આગાહી કરી શકતા નથી. આ ભવિષ્યમાં યાત્રાને અસર કરશે. આપણે ફક્ત સુવિધાઓમાં સુધારો કરી શકીએ છીએ, આપણે હવામાન બદલી શક્તા નથી.