આઇટી હબ તરીકે બેંગલુરુ ભલે જાણીતું હોય, ખાડે ગયેલા ઇન્ફ્રાસ્ટ્રકચરનો પણ એ નમૂનો છે
ભારતમાં રાજકારણીઓ લોકશાહીની ને વાણી સ્વાતંત્ર્યની વાતો કરે છે પણ પોતાની કે પોતાની સરકારની ટીકા ભાગ્યે જ કોઈ રાજકારણી સહન કરી શકે છે. કોઈ જરાક ટીકા કરે કે શાસકોને મરચાં લાગી જાય છે ને પોતાની ટ્રોલ આર્મીને ધંધે લગાડીને ટીકા કરનારના માથે માછલાં ધોવાનો, તેનું ચારિત્ર્યહનન કરવાનો ગોરખધંધો પુરજોશમાં ચાલુ થઈ જાય છે. બિઝનેસવુમન કિરણ મઝુમદાર-શોએ બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દયનીય હાલતની ટીકા કરી એ સાથે જ આ ધંધો શરૂૂ થઈ ગયો છે. એક તરફ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારથી માંડીને ગૃહ મંત્રી પરમેશ્વર સુધીના પ્રધાનો કિરણના માથે માછલાં ધોવા માટે કૂદી પડયા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસની ટ્રોલ આર્મી પણ કામે લાગી ગઈ છે. કિરણ મઝુમદાર બેંગલુરુમાં જન્મ્યાં છે પણ તેમનાં માતા-પિતા ગુજરાતી હતાં એ વાતને પકડીને કિરણને ટ્રોલ કરાઈ રહ્યાં છે. કિરણ પર ભાજપનાં એજન્ટ હોવાનો ઠપ્પો લગાવવાની કોશિશ પણ થઈ રહી છે.
બેંગલુરુના રોડ-રસ્તા, ટ્રાફિક વગેરેની બદતર હાલતની ટીકા પહેલી વાર નથી થઈ રહી. સામાન્ય લોકોથી માંડીને આઈટી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા માંધાતાઓ સુધી ઘણાં તેની વારંવાર ટીકા કરી ચૂક્યાં છે. કિરણ શો-મઝુમદાર અને ઈન્ફોસીસના ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) મોહનદાસ પાઈ આ ટીકામાં મોખરે છે તેથી બંને નજરે ચડેલાં જ હતાં ત્યાં ગયા અઠવાડિયે કિરણે એક વિદેશી કોર્પોરેટ અગ્રણીની કોમેન્ટ વિશે ટ્વિટ કરી તેમાં આ બબાલ ફરી શરૂૂ થઈ ગઈ.
આ કોર્પોરેટ અગ્રણીએ બેંગલુરુના ખરાબ રોડ-રસ્તા, સાવ ખાડે ગયેલા ટ્રાફિક મેનેજમેન્ટ અને કચરાના ઢગલાઓ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો અને એવો અભિપ્રાય આપેલો કે, બેંગલુરુની હાલત બદથી બદતર થતી જાય છે. શિવકુમારને આ વાતથી મરચાં લાગી ગયાં કેમ કે શિવકુમાર પાસે બેંગલૂરુના વિકાસનો હવાલો પણ છે. શિવકુમારે કોમેન્ટ કરી કે, કોઈ ટીકા કરે તેની સામે પોતાનો વાંધો નથી પણ આ ટીકાઓ વધારે પડતી થઈ રહી છે. શિવકુમારે એવું ડહાપણ પણ ડહોળ્યું કે, કોઈએ પણ ખાલી ટીકા કરવાના બદલે હકારાત્મક વલણ બતાવીને સહિયારા પ્રયાસોમાં સાથ આપવો જોઈએ કેમ કે વિકાસ એકલા સરકારની જવાબદારી નથી પણ સામૂહિક જવાબદારી છે.
શિવકુમારે અકળાઈને એમ પણ કહ્યું કે, કિરણને રોડ સામે વાંધો હોય તો તેમણે સારા રોડ બનાવવા જોઈએ. શિવકુમારની વાત અત્યંત હાસ્યાસ્પદ છે કેમ કે વિકાસ સામૂહિક જવાબદારી છે પણ સંચાલન અને વહીવટ સામૂહિક જવાબદારી નથી.સરકારી તંત્ર પાસેથી સારું કામ લેવાની જવાબદારી આ જનપ્રતિનિધિઓની છે, લોકોની નથી. શિવકુમાર સહિતના કોંગ્રેસી છીંડે ચડેલા ચોર છે પણ આ હાલત બધે જ છે. કિરણે બેંગલુરુના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી પણ ભારતમાં મોટા ભાગનાં મોટાં શહેરોની હાલત બેંગલુરુ જેવી છે અને મોટા ભાગના શાસકોની માનસિકતા પણ શિવકુમાર જેવી જ છે.
