મહારાષ્ટ્રમાં ગઠબંધન ચાલુ રહેશે: ભાજપ સાથેની ખટપટ વચ્ચે શિંદેનું નિવેદન
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે રાજ્યમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલુ રહેશે. તેમણે સ્પષ્ટતા કરી કે શિવસેના (શિંદે જૂથ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નું ગઠબંધન પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના આદર્શો પર ટકેલું છે.
એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણની એક ટિપ્પણીના જવાબમાં આ નિવેદન આપ્યું હતું. ગુરુવારે રવીન્દ્ર ચવ્હાણે કહ્યું હતું કે, હું 2 ડિસેમ્બર સુધી ગઠબંધનને બચાવવા માંગુ છું. આક્ષેપો પર પછીથી જવાબ આપીશ. આ ટિપ્પણીનો જવાબ આપતાં શિંદેએ કહ્યું, અમારું ગઠબંધન લાંબા સમયથી વિચારધારા પર આધારિત છે અને તે આગળ પણ ચાલતું રહેશે.
2 ડિસેમ્બરથી શરૂૂ થનારી મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પહેલાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ વચ્ચે તણાવ વધેલો છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટમાં ઓબીસી અનામત ને લઈને કાયદાકીય પડકાર પણ ગઠબંધન માટે મોટી મુશ્કેલી બની રહ્યો છે.
2 ડિસેમ્બરે 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે. ભાજપ, શિંદે જૂથની શિવસેના અને અજિત પવારની એનસીપીથી બનેલા ગઠબંધન માટે આ ચૂંટણીઓ પ્રથમ મોટી રાજકીય કસોટી સમાન હશે.