મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગરબડનો આક્ષેપ: રાહુલ ગાંધીએ નક્કર પુરાવા આપવા જોઇએ
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે ‘મેચ ફિક્સિંગ’ કરવામાં આવ્યું હતું એવો આક્ષેપ કરતાં રાજકીય આક્ષેપબાજી શરૂૂ થઈ છે. રાહુલે અખબારોમાં લેખ લખીને ભાજપને જીતાડવા માટે કઈ રીતે કહેવાતું મેચ ફિકિંસગ’ કરવામાં આવ્યું હતું તેની વિગતો આપી છે. રાહુલના દાવા પ્રમાણે ભાજપ અને તેના સાથી પક્ષોએ ચૂંટણી જીતવા માટે કાવતરું ઘડેલું. આ કાવતરામાં કેન્દ્રીય ચૂંટણી પંચ પણ સામેલ હતું. આ બધાંએ ભેગાં મળીને યોજનાબધ્ધ રીતે પગલાં લઈને ભાજપની હારને જીતમાં પલટી નાંખી અને હવે મહારાષ્ટ્રની જેમ બિહારમાં પણ નવેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મેચ ફિક્સિગ થશે. રાહુલનું કહેવું છે કે, જે પણ રાજ્યમાં ભાજપ હારશે એવું લાગે ત્યાં ત્યાં આ કાવતરું અમલમાં મૂકી દેવાય છે. રાહુલે ભાજપ અને ચૂંટણી પંચ બંનેને લપેટ્યાં છે તેથી બંનેએ રાહુલના આક્ષેપોને વાહિયાત ગણાવ્યા છે. ચૂંટણી પંચે રાહુલના દાવાને પાયાવિહોણા ગણાવીને કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો પોતાની તરફેણમાં ના આવ્યાં પછી આવા આક્ષેપો કરવા વાહિયાત છે. કોંગ્રેસે આ આક્ષેપો પહેલાં પણ કરેલા.
ચૂંટણી પંચે 24 ડિસેમ્બર 2024ના રોજ કોંગ્રેસને જવાબ આપ્યો તેમાં આ આક્ષેપોના જવાબ આપી દેવાયા છે અને આ જવાબ ચૂંટણી પંચની વેબસાઇટ પર ઉપલબ્ધ છે જ. રાહુલ ગાંધીએ ઉઠાવેલા મુદ્દા ગંભીર છે તેમાં શંકા નથી પણ તેને સાબિત કરતા કોઈ નક્કર પુરાવા નથી એ પણ હકીકત છે. રાહુલના દાવા પ્રમાણે, ભાજપે પાંચ પગલાં દ્વારા મહારાષ્ટ્રમાં જીતનું કાવતરું પાર પાડયું હતું. રાહુલનાં કહેવાતાં પાંચ પગલાં પર નજર નાંખીને તેનું વિશ્ર્લેષણ કરીશું તો રાહુલ નક્કર પુરાવા વિના અઘ્ધરતાલ વાત કરી રહ્યા છે એ સમજાશે. રાહુલ ગાંધીએ પોતાના લેખમાં લખ્યું છે કે, ચૂંટણી પંચ પર કબજો, મતદાર યાદીમાં બોગસ મતદારો ઉમેરીને ગોટાળા, ચોક્કસ બેઠકો પર બોગસ મતદાન, મતદાનના આંકડા પહેલેથી જ વધારીને જાહેર કરવા અને પુરાવા છૂપાવવાની કોશિશ એ પાંચ પગલાં ભાજપ તથા તેના સાથી પક્ષોએ લીઘાં હતાં. ચૂંટણી પંચ દૂધે ધોયેલું નથી જ અને તેનો ઈતિહાસ પણ શંકાસ્પદ છે. આ સંજોગોમાં માનો કે, પુરાવા છૂપાવતું હોય તો પણ પુરાવા વિના આક્ષેપ ના કરાય. કોંગ્રેસે પુરાવા આપવા જોઈએ, પણ તેના બદલે રાહુલ છ મહિનાથી આક્ષેપો જ કર્યા કરે છે. કાગળ પર જ યુધ્ધ લડ્યા કરે છે.