ભારતમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સામાં ચિંતાજનક વધારો
પ્રતિ વર્ષ ચાર ટકાને દરે વધારો, NCRBનો આંખ ઉધાડતો રેકોર્ડ
ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાનો દર ચિંતાનો વિષય બની ગયો છે. દર વર્ષે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વધતા જ જાય છે. હવે તાજેતરમાં આવેલા નવા અહેવાલે બધાની ચિંતા વધારી દીધી છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાઓ મુજબ, વિદ્યાર્થી આત્મહત્યા ભારતમાં ફેલાતી મહામારી છે. આ અહેવાલ વાર્ષિક આઇસી3 સંમેલન અને એક્સ્પો 2024માં જારી કરવામાં આવ્યો, જેમાં જણાવવામાં આવ્યું છે કે આત્મહત્યાની ઘટનાઓની સંખ્યામાં દર વર્ષે બે ટકાની વૃદ્ધિ થઈ છે.
જો વિદ્યાર્થિનીઓની આત્મહત્યાના કિસ્સાઓની વાત કરીએ તો તેમાં ઓછી રિપોર્ટિંગ પછી પણ ચાર ટકાની વૃદ્ધિ થઈ છે. આઇસી3 ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સામે આવેલા અહેવાલમાં એ સામે આવ્યું છે કે છેલ્લા બે દાયકાઓમાં, વિદ્યાર્થી આત્મહત્યાની ઘટનાઓમાં 4 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણી છે. વર્ષ 2022માં કુલ વિદ્યાર્થી આત્મહત્યાના કિસ્સાઓમાં 53 ટકા પુરુષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. 2021 અને 2022 વચ્ચે, વિદ્યાર્થીઓની આત્મહત્યામાં છ ટકાનો ઘટાડો આવ્યો જ્યારે વિદ્યાર્થિનીઓની આત્મહત્યામાં સાત ટકાનો વધારો થયો.
અહેવાલમાં એ પણ સામે આવ્યું છે કે વિદ્યાર્થી આત્મહત્યાની ઘટનાઓ વસ્તી વૃદ્ધિ દર અને કુલ આત્મહત્યાના વલણ બંનેને પાર કરતી જાય છે. છેલ્લા દાયકામાં જ્યારે 0-24 વર્ષની વયજૂથની વસ્તી 58.2 કરોડથી ઘટીને 58.1 કરોડ થઈ ગઈ, ત્યારે વિદ્યાર્થી આત્મહત્યાઓની સંખ્યા 6,654થી વધીને 13,044 થઈ ગઈ છે.
આ રાજ્યમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા
દક્ષિણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામૂહિક રીતે આવા કિસ્સાઓની સંખ્યા 29 ટકા છે, જ્યારે તેના ઉચ્ચ શૈક્ષણિક વાતાવરણ માટે જાણીતું રાજસ્થાન 10મા નંબર પર છે, જે કોટા જેવા કોચિંગ કેન્દ્રો સાથે જોડાયેલા ઊંડા દબાણને સ્પષ્ટ દર્શાવે છે. ‘આઇસી3 મૂવમેન્ટ’ના સંસ્થાપક ગણેશ કોહલીએ કહ્યું કે આ અહેવાલ આપણી શિક્ષણ સંસ્થાઓમાં માનસિક સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓનો સામનો કરતી બાબતોને સ્પષ્ટ દર્શાવે છે. નોંધનીય છે કે એનસીઆરબીના અટેચ ડેટા પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઇઆર પર આધારિત છે. જોકે એ માનવું જરૂરી છે કે વિદ્યાર્થી આત્મહત્યાઓની વાસ્તવિક સંખ્યા ઓછી બતાવવામાં આવી છે.