ઐશ્ર્વર્યા રાયે પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, પ્રવચન પણ કર્યું
સત્ય સાંઇ બાબા મંદિરે જન્મ શતાબ્દી ઉજવણી અવસરે હાજર રહ્યા
આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી સ્થિત શ્રી સત્ય સાંઈ બાબા મંદિરમાં જન્મ શતાબ્દી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય બચ્ચનનું નિવેદન વાયરલ થયું છે.
આ કાર્યક્રમમાં ઐશ્વર્યા રાય બચ્ચન સફેદ સૂટમાં જોવા મળી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ પણ કર્યા હતા. સ્ટેજ પરથી ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું, શ્રી સત્ય સાંઈ બાબાની પવિત્ર જન્મ શતાબ્દી નિમિત્તે મારું હૃદય શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું છે. તેમના વિચારો, શિસ્ત, સમર્પણ અને ભક્તિ આજે પણ વિશ્વભરના લાખો હૃદયોને પરિવર્તિત કરી રહી છે. પીએમ મોદીને સન્માન આપતા ઐશ્વર્યાએ કહ્યું, આપણી સાથે આવવા અને આ ખાસ પ્રસંગનું સન્માન કરવા બદલ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમારા જ્ઞાનવર્ધક, શક્તિશાળી અને પ્રેરણાદાયક શબ્દો સાંભળવા આતુર છું. પીએમ મોદીની હાજરી આ શતાબ્દી ઉજવણીમાં પવિત્રતા અને પ્રેરણા ઉમેરે છે. ઐશ્વર્યાએ કહ્યું, દરેકને પ્રેમ કરો, દરેકની સેવા કરો. ફક્ત એક જ જાતિ છે, અને તે માનવતા છે. ફક્ત એક જ ધર્મ છે, અને તે પ્રેમ છે. ફક્ત એક જ ભાષા છે, અને તે હૃદયની ભાષા છે. અને ફક્ત એક જ ભગવાન છે, જે સર્વત્ર છે.