અમેરિકા સાથે ટેરિફ વોરના પગલે રિઝર્વ બેંકનું વેઈટ એન્ડ વોચ; વ્યાજદર યથાવત
સેન્સેકસ નિફટીમાં ઘટાડો, 5.5 ટકાએ રેપોરેટ સ્થિર, ફુગાવાનો અંદાજ ઘટાડાયો
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની નાણાંકીય નીતિ સમિતિની ત્રણ દિવસની બેઠક આજે પૂર્ણ થઈ હતી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર સંજય મલ્હોત્રા દ્વારા છ સભ્યોની બનેલી એમ.પી.સી.કમિટીનો નિર્ણય જાહેર કરાયો હતો. જેમાં રેપોરેટ યથાવત રાખવાનું નક્કી કરાયું છે. હાલમાં ચાલી રહેલા ટેરિફ વોરને પગલે ભારતીય અર્થતંત્ર પર કેવી પ્રતિકૂળ અસર થાય છે તે જોયા બાદ ભવિષ્યમાં વ્યાજદર ઘટાડવો કે કેમ ? તે અંગે નિર્ણય લેવામાં આવશે. રિઝર્વ બેંક દ્વારા વ્યાજદર યથાવત રખાતા સેન્સેકસ અને નિફટીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં જ ફેબ્રુઆરી મહિનાથી જ રીટેલ ફુગાવો 4 ટકા નીચે જોવા મળ્યો છે. પરંતુ હાલમાં વ્યાજદર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી જેનું કારણ અમેરિકા દ્વારા ભારતમાંથી થતાં ઈમ્પોર્ટ પર 25 ટકા ટેરિફનું માનવામાં આવી રહ્યું છે.
આજે મીટીંગ બાદ પ્રેસકોન્ફરન્સમાં આર.બી.આઈ.ગર્વનરે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ર્ચિમ (નૈઋત્ય) ચોમાસાને પગલેે કૃષિ ક્ષેત્રમાં પ્રગતિ જોવા મળી છે. જ્યારે માંગ મર્યાદીત છે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મર્યાદીત માંગ જોવા મળી છે. આ ઉપરાંત આર.બી.આઈ. દ્વારા વાસ્તવિક જી.ડી.પી.ગ્રોથ રેટનો અંદાજ સાડા છ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે અને સી.પી.આઈ. ફુગાવો વર્ષ 2026 માટે 3.7 થી ઘટાડીને 3.1 ટકા કરાયો છે.
રિઝર્વ બેંકના ગર્વનરે જણાવ્યું હતું કે, છેલ્લી મીટીંગોમાં એક ટકા સુધી વ્યાજદર ઘટાડાયો છે આમ છતાં અર્થતંત્ર પર તેનો પ્રભાવ હજુ સુધી જોવા મળ્યો નથી અને ભારતીય અર્થતંત્ર માટે તટસ્થ અભિગમ યથાવત રાખવાની પણ જાહેરાત કરી હતી. આની અગાઉ જૂન મહિનામાં કમીટી દ્વારા વ્યાજદરમાં 50 બેઝીક પોઈન્ટનો ઘટાડો કરાયો હતો.