તામિલનાડુ પછી મહારાષ્ટ્ર: હિંદી અથવા અન્ય કોઇ ભાષા લાદવાની જરૂર નથી
તામિલનાડુ પછી મહારાષ્ટ્રમાં હિંદી ભાષા લાદવાના મુદ્દે પાછી બબાલ શરૂૂ થઈ છે અને રાજકીય પક્ષો પટ્ટાબાજી પર ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ એક થી ધોરણ પાંચના વિદ્યાર્થીઓને હિન્દી ત્રીજી ભાષા તરીકે શીખવવામાં આવશે એવો આદેશ આપ્યો તેમાંથી કમઠાણ શરૂૂ થયું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તો તેની સામે મેદાનમાં આવ્યા જ પણ સરકારમાં ભાગીદાર એવા અજિત પવારે પણ તેનો વિરોધ કરી નાંખ્યો. પવારના કહેવા પ્રમાણે, ધોરણ એક થી ધોરણ ચાર સુધી હિન્દી ભાષા ના શીખવવી જોઈએ અને હિંદીનું શિક્ષણ ધોરણ પાંચથી અપાવું જોઈએ. ભાજપના કેટલાક નેતાઓએ પણ ફરજિયાત હિંદી સામે વાંધો લીધો પછી સરકારે સ્પષ્ટતા કરવી પડી કે, હિન્દી ભાષા શીખવી ફરજિયાત નથી પણ કોઈ શાળા હિન્દી સિવાય બીજી ભાષા શીખવવા માગતી હોય તો દરેક વર્ગમાં ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓની સંમતિ જરૂૂરી રહેશે. આ આદેશ પછી ભાષાનો વિવાદ ઉકેલાય તો સારું કેમ કે આપણે ત્યાં છેલ્લાં કેટલાંક વરસોથી છાસવારે ભાષાની મોંકાણ મંડાઈ જાય છે ને તેનું કારણ ભાજપની નેતાગીરીનું આખા દેશને હિંદી શીખવી દેવાનું ઝનૂન છે.
આ ઝનૂનના કારણે ભાજપના નેતાઓને એ પણ ભાન રહેતું નથી કે, પોતે કહેલી વાતનો જ છેદ ઉડાવી દે છે. ભાજપના નેતા વિદ્યાર્થીઓને માતૃભાષામાં શિક્ષણ આપવાની વાતો જોરશોરથી કરે છે. હવે મહારાષ્ટ્રમાં હિંદી ત્રીજી ભાષા બને તો ગુજરાતી ભાષીઓનાં છોકરાંની માતૃભાષાનું શું ? તેમણે ગુજરાતીને બાજુ પર મૂકીને હિંદી શીખવાની ? ગુજરાતમાં કે બીજે રહેતાં મરાઠીભાષીઓનાં છોકરાંની માતૃભાષાનું શું? આ સમસ્યા દરેક ભાષા માટે સર્જાય ને હિંદી શીખવાની લહાયમાં માતૃભાષા કોરાણે મુકાઈ જાય. ભારત પાસે સાયન્સ અને ટેકનોલોજીનું જ્ઞાન નથી પણ -બીજું ઘણું જ્ઞાન છે. આધ્યાત્મિકતા, આરોગ્ય, સામાજિક જીવન -વિશે ભારત પાસે મોટો ખજાનો છે પણ એ ખજાનો સંસ્કૃતમાં છે, હિન્દીમાં નથી.
ભારતે પોતે પોતાની ભાવિ પેઢીને આ ખજાનાનું મહત્ત્વ સમજે ને દુનિયા સુધી એ પહોંચે એવું ઈચ્છતો હોય તો ભાવિ પેઢીને સંસ્કૃત શીખવવું જોઈએ અને અંગ્રેજી સહિતની વિદેશી ભાષાઓ શીખવવી જોઈએ કે જેથી દુનિયાને તેનો લાભ આપી શકાય ને ભારત પણ તેનો લાભ મેળવી -શકે. ભારતના આયંગર કે મહેશ યોગી જેવા યોગાચાર્યો યોગનો પ્રચાર કરી શક્યા કે જિદુ કૃષ્ણમૂર્તિ કે ઓશો રજનીશ જેવા -લોકો ભારતીય જીવનદર્શનને દુનિયા સુધી પહોંચાડી શક્યા તેનું કારણ સંસ્કૃત અને અંગ્રેજીનું જ્ઞાન હતું. વાસ્તવમાં ગમે તે શાળાનું ગમે તે ધોરણ હોય, માતૃભાષામાં શિક્ષણનો પ્રથમ વિકલ્પ આપી વિદ્યાર્થીઓને ઇચ્છે તે ભાષા પસંદ કરવાની સ્વતંત્રતા આપવી જોઇએ.