સચિન બાદ વિરાટ પણ બન્યો ડીપફેકનો શિકાર
- સટ્ટાબાજીની એપને પ્રમોટ કરતા દર્શાવાયો
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલમાં જ એક ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં વિરાટ કોહલી સટ્ટાબાજીની એપને પ્રમોટ કરતો જોવા મળે છે.
વીડિયોમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિરાટ કોહલી યુઝરને કહી રહ્યો છે કે કેવી રીતે ઓછા પૈસાનું રોકાણ કરીને સરળતાથી વધુ પૈસા કમાઈ શકાય છે. આ એક વીડિયો એડિટ હતો, જેને અઈંની મદદથી બનાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલી વિશેના આ ખોટા વીડિયોનું સત્ય સામે આવ્યું છે, કારણ કે આ પહેલા પણ સચિન તેંડુલકર સાથે પણ આવું જ થયું હતું.
વિરાટ કોહલીના વાયરલ થયેલા ડીપફેક વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી હિન્દીમાં બોલી રહ્યો છે અને તે સટ્ટાબાજીની એપને સપોર્ટ કરી રહ્યો છે. વીડિયોને રિયલ બનાવવા માટે નકલી યુઝરે ક્લિપમાં એક જાણીતી ટીવી એન્કરને પણ એડ કરી છે, જેથી લોકોને વીડિયો રિયલ લાગે. આ જાહેરાતમાં એવું લાગે છે કે કોહલી એક ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યુ આપી રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કોહલી ઓછું રોકાણ કરીને વધું કમાણી કરી રહ્યો છે, તેમજ તે દર્શકોને સરળતાથી પૈસા કમાવવાના માટે આ એપ્સનો ઉપયોગ કરવા જણાવી રહ્યો છે.