રામ રહીમ બાદ આસારામને મળી 7 દિવસની આઝાદી, રાજસ્થાન હાઇકોર્ટે 7 દિવસના પેરોલ મંજૂર કર્યા
રામ રહીમ બાદ આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ મળ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. આસારામની તબિયતને ધ્યાનમાં રાખીને તેને પેરોલ આપવામાં આવ્યો છે જેના માટે તેણે ઘણી અરજીઓ આપી હતી. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે. મહારાષ્ટ્રમાં તેની સારવાર કરવામાં આવશે. હાઈકોર્ટના જસ્ટિસ ડૉ. પુષ્પેન્દ્રસિંહ ભાટીની ડિવિઝન બેન્ચે વચગાળાની પેરોલ મંજૂર કરી છે.
હાલમાં જ જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામની તબિયત ફરી એકવાર બગડી હતી. આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ જોધપુર એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસારામના મેડિકલ ચેકઅપ બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આસારામની નાદુરસ્ત તબિયતની માહિતી મળતાં જ તેમના સમર્થકો હોસ્પિટલની આસપાસ એકઠા થઈ ગયા હતા, ત્યાર બાદ ત્યાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે આસારામને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં જરૂરી તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પુણેની માધવબાગ હોસ્પિટલના ડોક્ટરોની દેખરેખ હેઠળ એપ્રિલ મહિનામાં જોધપુરની એક ખાનગી હોસ્પિટલમાં આસારામના હૃદયની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. હવે ફરી આસારામને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે એમ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા હતા.
પોતાને સંત ગણાવતા આસારામ પર એક સગીર પર બળાત્કારનો આરોપ હતો જેમાં તે દોષિત ઠર્યો હતો. પીડિતાએ 2013માં આસારામ પર તેના જોધપુર આશ્રમમાં રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે તે સગીર હતી. તેમની ઉંમર માત્ર 16 વર્ષની હતી. આ કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આસારામ આ કેસમાં અત્યાર સુધીમાં 11 વર્ષની જેલની સજા ભોગવી ચૂક્યા છે. આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેણે જેલમાંથી બહાર આવવા અને જામીન મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો.