Paytm બાદ હવે RBIએ આ કંપની વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી, ગોલ્ડ લોન આપવા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવ્યો
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ IIFL ફાયનાન્સ સામે વધુ એક કડક કાર્યવાહી કરી છે. આરબીઆઈએ IIFL ફાઈનાન્સ પર ગોલ્ડ લોનનું વિતરણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેન્ટ્રલ બેંકે મટીરીયલ સુપરવાઇઝરી ચિંતાઓને કારણે આ કાર્યવાહી કરી છે. જો કે, કંપની તેના હાલના ગોલ્ડ લોન પોર્ટફોલિયોને સેવા આપવાનું ચાલુ રાખશે. આરબીઆઈએ કહ્યું કે સ્પેશિયલ ઓડિટ પછી સંતોષકારક પરિણામ આવે તો IIFL ફાયનાન્સને રાહત મળી શકે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક પછી એક મહિનામાં આરબીઆઈની આ બીજી મોટી કાર્યવાહી છે.
આરબીઆઈએ આ કાર્યવાહી ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 હેઠળ કરી છે. IIFL ફાયનાન્સને તાત્કાલિક અસરથી કોઈપણ ગોલ્ડ લોન મંજૂર ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. RBI અનુસાર, 31 માર્ચ, 2023 સુધી કંપનીની નાણાકીય સ્થિતિની તપાસ દરમિયાન, ગોલ્ડ લોનમાં અનિયમિતતાઓ મળી આવી છે. કંપની ગોલ્ડ લોનના વિતરણ અને હરાજી દરમિયાન સોનાની શુદ્ધતા અને વજન અંગે યોગ્ય અહેવાલો આપી રહી ન હતી. આ ઉપરાંત લોન ટુ વેલ્યુ રેશિયોનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. RBI અનુસાર, IIFL ફાઇનાન્સ લોન વિતરણ અને વસૂલાત દરમિયાન પણ ધોરણો કરતાં વધુ રોકડનો ઉપયોગ કરી રહ્યું હતું. આ ઉપરાંત ગ્રાહકો પર વસૂલાતા ચાર્જ અંગે પણ પારદર્શિતા જાળવવામાં આવી નથી.
આરબીઆઈએ કહ્યું કે આ તમામ પદ્ધતિઓ IIFL ફાયનાન્સના ગ્રાહકોના હિતોને અસર કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આરબીઆઈ કંપનીના અધિકારીઓ સાથે મળીને આ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ, જ્યારે સુધારાના પરિણામો સારા ન હતા ત્યારે સેન્ટ્રલ બેંકે આ કડક પગલું ભરવું પડ્યું હતું. જો આમ કરવામાં નહીં આવે તો ગ્રાહકોને વિપરીત અસર થઈ શકે છે.