અમેરિકા, ચીન પછી ભારત પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે
ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં એક મોટું પગલું ભર્યું છે અને તેના પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશનનું મોડેલ રજૂ કર્યું છે. શુક્રવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂૂ થયેલા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવણી પ્રસંગે ISROએ આ સ્ટેશનના પ્રથમ મોડ્યુલનું મોડેલ પ્રદર્શિત કર્યું. ભારત 2028 સુધીમાં આ સ્ટેશનનો પ્રથમ ભાગ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. અત્યાર સુધીમાં ફક્ત બે દેશો અમેરિકા સહિત સાથી દેશોના આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) અને ચીનના ટિઆંગોંગ સ્ટેશન અવકાશમાં કાર્યરત છે.
ઇસરોએ જણાવ્યું હતું કે સ્ટેશન ઇઅજ-01નું પહેલું મોડ્યુલ લગભગ 10 ટન વજન ધરાવતું હશે અને તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં 450 કિલોમીટરની ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવશે. ભારત 2035 સુધીમાં કુલ પાંચ મોડ્યુલ ઉમેરીને એક સંપૂર્ણ સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના ધરાવે છે. આ સ્ટેશન આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપશે અને ભારતને વૈશ્વિક સંશોધન કેન્દ્ર બનાવશે. ઉપરાંત, આ પ્રોજેક્ટ યુવાનોને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે.