શ્રદ્ધા મર્ડર કેસનો આરોપી આફતાબ લોરેન્સ ગેંગના નિશાના પર હતો
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ દરમિયાન બિશ્નોઈ ગેંગે મોટા ગુનાને અંજામ આપવાની યોજના બનાવી હોવાનું બહાર આવ્યું હતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સિદ્દીકીના શૂટર શિવકુમાર ગૌતમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે ગેંગ આફતાબ પૂનાવાલાને મારવાની તૈયારી કરી રહી હતી, જે હાલમાં તિહાર જેલમાં બંધ છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવકુમારે જણાવ્યું હતું કે બિશ્નોઈ ગેંગનો ઈરાદો આફતાબની કોર્ટમાં હાજરી દરમિયાન હત્યા કરવાનો હતો. જો કે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાને કારણે આ યોજના પાર પાડી શકાઈ નથી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું કે અમે આ ષડયંત્રની માહિતી દિલ્હી પોલીસ સાથે શેર કરી છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આફતાબ પૂનાવાલાની હત્યાનું કાવતરું મુખ્ય કાવતરાખોર શુભમ લોનકર દ્વારા ઘડવામાં આવ્યું હતું, લોનકર મહારાષ્ટ્રમાં લોરેન્સ ગેંગ માટે સોપારી કિલર તરીકે કામ કરે છે. તે લોરેન્સના ભાઈ અનમોલના સંપર્કમાં રહ્યો.નોંધનીય છે કે મે 2022માં આફતાબ પૂનાવાલાએ તેની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી, તેના શરીરના અનેક ટુકડા કરી દીધા હતા અને તેને દિલ્હીના જંગલમાં ફેંકતા પહેલા રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. આ હત્યાથી દેશમાં આક્રોશ ફેલાયો હતો અને ભાજપે તેને લવ જેહાદનો મામલો ગણાવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ અનુમાન કર્યું કે બિશ્નોઈ ગેંગે ચોક્કસ સમુદાયમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પૂનાવાલાની હત્યા કરવાની યોજના બનાવી હશે.