મુંબઇ એરપોર્ટ પર ફસાયેલી આફ્રીકન મહિલાનો હંગામો
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો દ્વારા મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે દેશભરમાં હવાઈ કામગીરી ખોરવાઈ ગઈ છે. શુક્રવારે 400 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થતાં સંકટ વધુ ઘેરું બન્યું છે અને હજારો મુસાફરો મુખ્ય એરપોર્ટ પર ફસાયા છે. આ અફરાતફરી વચ્ચે મુંબઈ એરપોર્ટ પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક આફ્રિકન મહિલા એરલાઇનના કાઉન્ટર પર ચઢીને કર્મચારીઓ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે.
વીડિયોમાં કાઉન્ટર પાસે અન્ય મુસાફરોની પણ ભીડ જોવા મળે છે, જેમાંથી ઘણા નિરાશ છે. વાયરલ વીડિયોમાં આફ્રિકન મહિલા પોતાની ફ્લાઇટ અચાનક રદ્દ થવા અંગે ઇન્ડિગોના કર્મચારીઓ પાસેથી જવાબ માંગી રહી છે.
જ્યારે તેને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી, ત્યારે તે પોતાનો કાબૂ ગુમાવી દે છે, કાઉન્ટર પર ચઢી જાય છે અને એરલાઇનના ગેરવહીવટ વિશે જોર જોરથી બૂમો પાડવા લાગે છે. વીડિયોના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે દાવો કર્યો કે મહિલાએ કહ્યું હતું કે તેને તેની યાત્રા રદ્દ કરવા માટે મજબૂર કરવામાં આવી છે. કોમેન્ટમાં મહિલાના કથિત શબ્દો ટાંકવામાં આવ્યા હતા કે "હું મારા દેશ પાછી જઈ રહી છું. હું એટલે પાછી ફરી રહી છું કારણ કે તમે મારી ટિકિટ ખરાબ કરી દીધી છે. તેથી હું ફ્રાન્સ પાછી જઈ રહી છું. તેમણે બધું બરબાદ કરી દીધું. જ્યારે તેઓ વસ્તુઓ બગાડે છે, ત્યારે તેઓ અપેક્ષા રાખે છે કે લોકો બસ તેને સ્વીકારી લે. તેઓ લોકોને વ્યસ્ત રાખવા માંગે છે. ખાવા માટે કંઈ નથી, સૂવા માટે જગ્યા નથી. હું જઈ રહી છું અને પાછી જઈ રહી છું.