બંગાળમાં મમતા સાથે ગઠબંધન થાય તો કોંગ્રેસ છોડવાની અધીર રંજનની ધમકી
- સીટ વહેંચણીની વાતો શરૂ થતાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ મોરચો ખોલ્યો
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ INDIA ગઠબંધનમાં પડેલી તિરાડો ભરવામાં લાગી છે, કોંગ્રેસના મોટા નેતા INDIA ગઠબંધનના સાથીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. તેના કારણે જ પશ્ચિમ બંગાળમાં સીટ શેયરિંગને લઈ કોંગ્રેસ અને ટીએમસીની વચ્ચે ફરી એકવાર વાતચીત શરૂૂ થઈ ગઈ છે. સુત્રોનું માનીએ તો બંને પાર્ટીઓ મળીને લોકસભા ચૂંટણી લડી શકે છે, પણ તેની વચ્ચે સમાચાર છે કે પશ્ચિમ બંગાળના કોંગ્રેસ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી પોતાની પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે.
સુત્રો મુજબ અધીર રંજન ચૌધરીએ કોંગ્રેસ હાઈકમાન્ડને પાર્ટી છોડવા સુધીની ધમકી આપી દીધી છે. તેમને ત્યાં સુધી કહી દીધુ છે કે જો ટીએમસીની સાથે ગઠબંધન થાય છે તો તે ભાજપમાં પણ સામેલ થઈ શકે છે. તેમનું અલ્ટીમેટમ કોંગ્રેસ હાઈકમાન્ડ માટે માથાનો દુખાવો બની શકે છે.
આ કોઈ પ્રથમવખત નથી કે કોંગ્રેસની પ્રથમ વિકેટ પડવા જઈ રહી છે, છેલ્લા10 વર્ષમાં કોંગ્રેસના ઘણા મોટા નેતા પાર્ટીને છોડી ચૂક્યા છે, જેમાં રીતા બહુગુણા જોશી, કેપ્ટન અમરિન્દર સિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુલામ નબી આઝાદ, જિતિન પ્રસાદ, બાબા સિદ્દીકી, મિલિન્દ દેવરા, અશોક ચવ્હાણ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, અશોક ચૌધરી, હિંમત બિશ્વા શર્મા, અશ્વની કુમાર સામેલ છે.
બહેરામપુરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી સાંસદ છે. ત્યારે માલદા દક્ષિણથી અબૂ હસમ ખાન ચૌધરી સાંસદ છે. અબૂ હસમ કોંગ્રેસના દિગ્ગજ નેતા અબ્દુલ ગની ખાન ચૌધરીના ભાઈ છે. કોંગ્રેસને રાયગંજની પણ સીટ મળી છે, જે પ્રિયરંજન દાસ મુન્શીના પૂર્વ સાંસદ પત્ની દીપાદાસ મુન્શીની સીટ છે. તે સિવાય કોંગ્રેસને મમતાના વિરોધવાળી દાર્જિલિંગ સીટ મળી છે અને માલદા ઉત્તરની સીટ પણ મળી છે, જ્યાંથી ગયા વર્ષે ભાજપને જીત મળી હતી.