ઘરે બેહોશ થતાં અભિનેતા ગોવિંદા હોસ્પિટલમાં, ધર્મેન્દ્રને રજા અપાઇ
બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદાને અચાનક તબિયત બગડવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ હાલ તેમની સતત દેખરેખ રાખી રહી છે. મળતી માહિતી મુજબ અભિનેતા ગોવિંદાની તબિયત એકાએક ખરાબ થઈ ગઈ હતી. મંગળવારની રાત દરમિયાન ગોવિંદા તેમના ઘરે જ બેહોશ થઈ ગયા હતા.
અભિનેતા ગોવિંદા બેહોશ થતાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને કેટલીક દવાઓ પણ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેમને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અભિનેતાની તબિયત લથડતા તેમના પ્રશંસકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.
આ દરમિયાન ગોવિંદાની પત્ની સુનીતાએ તેમના સ્વાસ્થ્ય વિશે હકારાત્મકતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તે હીરો છે અને જલ્દી ઠીક થઈ જશે.
બીજી તરફ પીઢ અભિનેતા ધર્મેન્દ્રને બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અહેવાલ મુજબ, 89 વર્ષીય વૃદ્ધને તેમના પરિવારે વધુ સારવાર માટે ઘરે લઈ જવાનું નક્કી કર્યા બાદ રજા આપવામાં આવી હતી. અભિનેતા અઠવાડિયાથી હોસ્પિટલમાં આવતા-જતા હતા.
ધર્મેન્દ્રજીને સવારે 7.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમની સારવાર ઘરે જ કરવામાં આવશે કારણ કે પરિવારે તેમને ઘરે જ સારવાર આપવાનો નિર્ણય લીધો છે. ડો. પ્રતીત સમદાનીએ જણાવ્યું હતું. આ ઘટનાક્રમ તેમની પુત્રી એશા દેઓલે સ્પષ્ટતા કર્યાના એક દિવસ પછી આવ્યો છે કે અભિનેતા સ્થિર અને સ્વસ્થ છે.