ફરી વધી AAPની મુશ્કેલી: વધુ એક ધારાસભ્યના ઘરે EDના દરોડા, ગુજરાત સાથે પણ રહી ચૂક્યું છે કનેક્શન
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ આમ આદમી પાર્ટી (AAP)ના વધુ એક ધારાસભ્યના ઘરે દરોડા પાડ્યા . દિલ્હીના મટિયાલાથી ધારાસભ્ય ગુલાબ સિંહના ઘરે દરોડા પાડવા માટે EDની ટીમ શનિવારે સવારે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, ગુલાબ સિંહ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીના પ્રભારી રહી ચૂક્યા છે.
ગુલાબ સિંહ યાદવ વિરુદ્ધ આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તેણે અરવિંદ કેજરીવાલના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. X પર દિલ્હીના સીએમનો ફોટો શેર કરતા તેણે લખ્યું હતું - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જ કાળ છે અને તે છે અરવિંદ કેજરીવાલ.
કોણ છે ગુલાબ સિંહ યાદવ?
AAP નેતા ગુલાબ સિંહ યાદવ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હીના મટિયાલા વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન AAPના પ્રભારી રહી ચૂક્યા છે અને પોતાને અરવિંદ કેજરીવાલની ટીમના સૈનિક ગણાવે છે.
અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (22 માર્ચ, 2024) વિશેષ અદાલત દ્વારા 28 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. EDએ કોર્ટમાં દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી હોવાનો લાભ આમ આદમી પાર્ટી (AAP) વતી મની લોન્ડર કરવા માટે લીધો હતો, જે કથિત એક્સાઇઝ કૌભાંડ કેસમાં અપરાધની આવકનો 'મોટો લાભાર્થી' હતો. . જો કે, AAPએ દાવો કર્યો હતો કે, "લોકોની ક્રાંતિની જ્યોત કાયર સરમુખત્યારનો નાશ કરશે."