હૈદરાબાદમાંથી 1 કરોડનું ઇનામ ધરાવતી મહિલા નક્સલવાદી ઝડપાઇ
તેલંગાણા પોલીસે એક મોટી કાર્યવાહીને અંજામ આપીને હૈદરાબાદના મહેબૂબ નગરમાંથી નક્સલવાદી મહિલા કલ્પના ઉર્ફે સુજાતાની ધરપકડ કરી છે. તેના પર 1 કરોડ રૂૂપિયાનું ઈનામ હતું. આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોની પોલીસ તેને શોધી રહી હતી. સુજાતા નક્સલવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની વિધવા છે. બીજાપુર, સુકમા અને દંતેવાડામાં 100થી વધુ ઘટનાઓને અંજામ આપવામાં સુજાતાનો હાથ હતો. 60 વર્ષની સુજાતાએ દક્ષિણ બસ્તર વિભાગીય સમિતિના પ્રભારી સહિત અનેક પદો પર કામ કર્યું છે.
પોલીસે જણાવ્યું કે જ્યારે તે પકડાઈ ત્યારે તે સારવાર માટે તેલંગાણા પહોંચી હતી. સુજાતા નક્સલવાદી નેતા કોટેશ્વર રાવ ઉર્ફે કિશનજીની વિધવા છે. તે કિશનજી સાથે બંગાળથી બસ્તર આવી હતી. કિશનજીને બંગાળનો હવાલો સોંપવામાં આવ્યા પછી તેઓ પણ થોડો સમય બંગાળમાં રહ્યા. 2011માં કિશનજીની હત્યા થયા બાદ તેઓ બસ્તર ગયા હતા.
મોટા હુમલા પાછળ સુજાતાનું મગજ હતું. તેણે કરાવેલા નક્સલવાદી હુમલાઓમાં 2007માં એરરાબરમાં 23 સૈનિકો શહીદ થયા હતા. એપ્રિલ 2010માં તાડમેટલામાં 76 સૈનિકો શહીદ થયા હતા જ્યારે 2010માં ગદીરસમાં 36 જવાનો શહીદ થયા હતા. 2013માં ખીરામમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર થયેલા હુમલામાં 31 જવાનો શહીદ થયા હતા. 2013માં ચટાગુફામાં 25 સૈનિકો શહીદ થયા હતા. 2017ના મીંપામાં ટેકુલગુડેમમાં 21 સૈનિકોના બલિદાનની ઘટના પાછળ પણ તેનો હાથ છે.