For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હિમાચલ સરકારની આવકારદાયક પહેલ

12:23 PM Aug 30, 2024 IST | admin
હિમાચલ સરકારની આવકારદાયક પહેલ

હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારે સાત મહિના પહેલાં છોકરીઓનાં લગ્ન 21 વર્ષ પહેલાંના કરી શકાય એવો કાયદો લાવવાની જાહેરાત કરી હતી પણ એ દિશામાં કશું ના થતાં કોંગ્રેસ સરકાર પણ આ વાતને ભૂલી ગઈ કે શું એવો સવાલ થવા લાગેલો. સુખવિંદર સુખુની સરકારે એ સવાલનો જવાબ આપીને છોકરીઓ માટે લગ્નની લઘુતમ વય 21 વર્ષ કરવાનો ખરડો વિધાનસભામાં પસાર કરી દીધો. આ સાથે હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ કરવા માટેનો ખરડો પસાર કરનારું દેશનું પહેલું રાજ્ય બની ગયું છે.

Advertisement

હિમાચલ પ્રદેશ બાળ લગ્ન નિષેધ વિધેયક 2024 હેઠળ છોકરીઓની લગ્નની ઉંમર ત્રણ વર્ષ વધારી દેવાઈ છે. આ બિલ હવે સહી કરવા માટે રાજ્યપાલને મોકલાશે. વિધાનસભામાં આ બિલ સર્વસંમતિથી પસાર થયું હોવાથી રાજ્યપાલને પણ સહી કરવામાં વાંધો નહીં આવે એ જોતાં છોકરીઓ માટે લગ્નની લઘુતમ વય 21 વર્ષ કરનારું દેશનું પહેલું રાજ્ય બની જશે.

આ કાયદાની જોગવાઈ પ્રમાણે, કોઈ છોકરીનાં લગ્ન 21 વર્ષથી ઓછી ઉંમરે કરાય તો તેને બાળ લગ્ન ગણીને છોકરીનાં માતા-પિતા, છોકરાનાં માતા-પિતા, લગ્ન કરાવનાર બ્રાહ્મણ વગેરે સામે બાળલગ્નનો કેસ કરાશે. એ જ રીતે કોઈ છોકરીનાં 21 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરાવી દેવાય અને તેને પરાણે પતિ સાથે રહેવાની ફરજ પડાય તો પણ 21 વર્ષની થાય ત્યાં સુધી તેને પોતાનાં લગ્ન રદ કરાવવાનો અધિકાર મળશે. આ કાયદામાં બીજી પણ મહત્ત્વની જોગવાઈઓ છે કે જેના કારણે આપણી દીકરીઓને બાળ લગ્ન સામે રક્ષણ મળશે.

Advertisement

હિમાચલ પ્રદેશે કરેલી પહેલને વખાણવી જોઈએ અને કેન્દ્ર સરકાર પણ હિમાચલ પ્રદેશને અનુસરશે એવી આશા રાખીએ કેમ કે વાસ્તવમાં આ અંગેની પહેલી જાહેરાત નરેન્દ્ર મોદીએ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2020ના રોજ લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે એલાન કરી દીધેલું કે, છોકરીઓની લગ્નની વય મર્યાદા 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરાશે. મોદીએ કહેલું કે, દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમનાં લગ્ન યોગ્ય વયે થાય એ જરૂૂરી છે તેથી સરકાર લગ્નની વય મર્યાદા વધારીને 21 વર્ષ કરશે.

ભારતમાં અત્યારે છોકરીઓનાં લગ્નની ઓછામાં ઓછી વય મર્યાદા 18 વર્ષ છે. દેશના ત્રણ કાયદામાં આ જોગવાઈ છે. હિંદુઓમાં થતાં લગ્ન માટે હિન્દુ મેરેજ એક્ટ, 1955ની કલમ 5(3), કોર્ટમાં થતાં લગ્ન માટે સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અને બાળ વિવાહ નિષેધ એક્ટ, 2006 આ ત્રણેય કાયદામાં છોકરીઓ માટેની લગ્નની વયમર્યાદા 18 વર્ષ છે. મોદી સરકારે આ ત્રણેય કાયદામાં ફેરફાર કરવાની જાહેરાત પણ કરી દીધી હતી.

મોદી સરકારે જાહેરાત કરી નાખેલી કે, આ ત્રણેય કાયદામાં સહમતિથી મહિલાઓના લગ્નની લઘુત્તમ વય 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ હોવાનો ઉલ્લેખ છે. મોદી સરકારે લોકસભામાં આ અંગેનો ખરડો પસાર પણ કરી દીધેલો ને રાજ્યસભામાં ખરડો રજૂ પણ કરી દીધેલો. પણ ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી આ ખરડો સંસદીય પેનલને સોંપવાનો નિર્ણય કરવો પડ્યો. આ ખરડો એ પછી અટવાઈ ગયો પણ હવે મોદી સરકાર પાસે રાજ્યસભામાં પણ બહુમતી છે ત્યારે આ ખરડાને ફરી પસાર કરવા માટે મોદી સરકારે પ્રયત્ન કરવાની જરૂૂર છે કેમ કે લગ્નની વય મર્યાદા વધારવી દેશની દીકરીઓના હિતમાં છે. મોદીએ મહિલાઓ માટે લગ્નની લઘુતમ વય મર્યાદા વધારવાના નિર્ણયને યુવતીઓને કુપોષણથી બચાવવા સાથે જોડ્યો હતો પણ એ સિવાય બીજા પણ ઘણા લાભ આ નિર્ણય સાથે જોડાયેલા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement