મુંબઈમાં 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અનેક લોકો ફસાયાની આશંકા, જુઓ વિડીયો
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઈમારત સાત માળની છે. સવારે 6.30 કલાકે આગના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડની 8 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. મળતી વિગતો અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે સાત માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લોઅર પરેલ વિસ્તારમાં કમલા મિલ સંકુલમાં ટાઇમ્સ ટાવર બિલ્ડિંગમાં સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી.
ફાયર વિભાગે તેને લેવલ 2 (મુખ્ય) આગ જાહેર કરી છે અને આઠ ફાયર એન્જિન અને અન્ય ફાયર ફાઇટિંગ વાહનોને સ્થળ પર મોકલ્યા છે, અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.. ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
તાજેતરમાં જ જૂનમાં દક્ષિણ મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલી 57 માળની રહેણાંક ઇમારતમાં મધ્યરાત્રિએ ભીષણ આગ લાગી હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.