તહેવારો પૂર્વે તેજીનું તોફાન; ચાંદીમાં રૂા.5300 અને સોનામાં 1850નો વધારો
સોનું 4060 ડોલરની સર્વોચ્ચ સપાટીએ, કિંમતી ધાતુઓમાં એકધારી તેજીથી વેપારીઓ પણ મુંઝવણમાં
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આજે સોના-ચાંદીના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી. એમસીએકસમાં ચાંદી ખુલતાની સાથે જ પ્રતિ કિલોએ 5300 રૂા.નો તોતીંગ વધારો જોવા મળ્યો હતો. જયારે સોનામાં પણ 10 ગ્રામે રૂા.1850નો વધારો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સોનામાં જોવા મળતી મજબુતાઇના પગલે તેમજ ભારત સહીત એશિયાઇ દેશોમાં ભારે ડીમાન્ડની વચ્ચે સોનામાં હજુ પણ પોઝીટીવ ટોન યથાવત રહેતા સોનુ આજે ફરી 4050 ડોલરને આંબી ગયું હતું. જયારે ચાંદીમાં પણ ભારે તેજી જોવા મળતા એમસીએકસમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 1,51,583 પર જોવા મળ્યો હતો.
આજે ચાંદીમાં 5300 રૂા. વધતા રાજકોટની બજારમાં હાજર ભાવ 1,58,000 પર પહોંચી ગયો હતો. જયારે સોનાનો હાજર ભાવ 1,27,500 સુધી આંબી ગયો હતો.
દિવાળી-ધનતેરસ ઉપરાંત આવતીકાલે ગુરૂપુષ્ય નક્ષત્ર પણ હોવાથી સોનામાં અને ડાયમંડ જવેલરીમાં ખરીદી વધારે જોવા મળશે. ત્યારે દિવાળી સુધીમાન 4150 ડોલર સુધી સોનું પહોંચે તેવી સંભાવના છે.
સેન્સેકસ-નિફટી રેડ ઝોનમાં, ટાટા કેપિટલનું ફ્લેટ લિસ્ટિંગ
સોના-ચાંદીમાં આજે શાનદાર તેજી જોવા મળી હતી. પરંતુ શેરબજારમાં વેચવાલીનું જોર જોવા મળ્યું હતું. આજે સેન્સેકસ 450 પોઇન્ટ નીચે ખુલ્યો હતો. જયારે નીફટી પણ 120 પોઇન્ટ નીચે ખુલી હતી. આજે મેટલ, ડીફેન્સ સહીતના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીજી બાજુ આજે ટાટા કેપીટલનું ફલેટ લીસ્ટીંગ જોવા મળ્યું હતું. આજે ટાટા કેમીકલ્સનું બન્ને સ્ટોક એકસચેંજમાં 328ના ભાવ સાથે લીસ્ટીંગ થયું હતું.
આજે ટાટા કેપીકલનું લીસ્ટીંગ થયા બાદ ઉચ્ચતમ ભાવ 332 સુધી પહોંચ્યો હતો. જયારે 326 રૂા.નો લો જોવા મળ્યો હતો. હવે આવતીકાલે એલ.જી. ઇલેકટ્રોનીકસના લીસ્ટીંગ ઉપર સૌની નજર છે. રોકાણકારો ને 35 થી 40 ટકા લીસ્ટીંગ ગેઇન મળવાની સંભાવના છે. આજે શેરબજારમાં 1877 શેર નીચે સરકયા છે. જયારે 740 શેરોમાં ખરીદી જોવા મળી હતી. આજે ઓટો અને જવલેરી સેકટરમાં થોડી ખરીદી જોવા મળી હતી. જયારે નીફટી આઇટી એનર્જી મેટલના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.