મુંબઇ આતંકી હુમલાનો જવાબ આપવામાં મનમોહન ફસકી ગયા તે એક કલંકિત પ્રકરણ
આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો છે કે, મુંબઈમાં 2008માં 26/11ના રોજ થયેલા મુંબઈ આતંકવાદી હુમલા વખતે જોરદાર કાર્યવાહી કરવામાં કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી હતી તેના કારણે એવો મેસેજ ગયેલો કે ભારત નબળું છે અને આતંકવાદીઓ સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી.
મોદીએ એવો દાવો પણ કર્યો કે, આપણું આર્મી તો પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર હતું પણ એ વખતની કોંગ્રેસ સરકારે વિદેશી દબાણ હેઠળ હુમલો કરવા નહોતો દીધો. થોડા સમય પહેલાં ડો. મનમોહનસિંહ સરકારમાં ગૃહમંત્રી પી. ચિદમ્બરમે દાવો કરેલો કે, 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા પછી તેમના મનમાં પણ બદલો લેવાનો વિચાર આવ્યો હતો પણ કેન્દ્ર સરકારે લશ્કરી કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ચિદમ્બરમે વિદેશી દબાણ હેઠળ લશ્કરી કાર્યવાહી નહોતી કરી એવું કહ્યું નથી પણ મોદીએ પોતાની રીતે આ વાત ઉમેરી દીધી. મુંબઈના 1993ના હુમલામાં 2008 કરતાં વધારે લોકો મરેલાં પણ 2008ના હુમલાએ આખી દુનિયા સામે આપણને લાચાર ચિતરી નાંખ્યું તેથી 2008નો હુમલો આપણા ઈતિહાસનું વધારે શરમજનક પ્રકરણ છે.
મુંબઈ, અમદાવાદ, જયપુર, બેંગલૂરુ, કોલકાત્તા, હૈદરાબાદ સહિતનાં મોટાં શહેરોમાં આતંકવાદી હુમલા કરીને પાકિસ્તાનનાં પ્યાદાં જેવા આતંકવાદીઓએ ભારતનું કોઈ રણીધણી નથી ને ભારતનાં લોકો ભગવાન ભરોસે જીવે છે એવું ચિત્ર ઉભું કરી દીધેલું. મનમોહનસિંહની સરકારે આ હુમલા સામે મર્દાના મિજાજ બતાવીને પાકિસ્તાનને રગદોળી દેવાની જરૂૂર હતી પણ કમનસીબે મનમોહન આતંકવાદ સામે લડવામાં અને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં સાવ પાણી વિનાના સાબિત થયા હતા તેથી મોદીની વાત અડધી સાચી છે.
મોદી સરકાર પાકિસ્તાનને જવાબ આપવામાં મનમોહનસિંહની સરકાર કરતાં વધારે અસરકારક હોવાનું ચિત્ર ઊભું કરવામાં સફળ થઈ છે કેમ કે તેનું પ્રચાર તંત્ર એકદમ મજબૂત છે. બાકી મનમોહનસિંહ સરકાર કશું નહોતી કરી શકતી ને મોદી સરકારે પાકિસ્તાનને ખોખરું કરીને ભારત પર આતંકવાદી હુમલાની ખો ભૂલાવી દીધી હોય એમ કહેવું વહેલું છે. મોદી સરકારે પાકિસ્તાન પર ત્રણ વાર સર્જિકલ સ્ટ્રાઈક કરીને ભારતના આક્રમક મિજાજનો પરચો આપ્યો છે તેનાં વખાણ કરવાં જ જોઈએ કેમ કે ભૂતકાળમાં કોઈ સરકારે પાકિસ્તાનમાં ઘૂસીને આ પ્રકારની લશ્કરી કાર્યવાહી નહોતી કરી. મોદી સરકારનો મિજાજ ભૂતકાળની તમામ સરકારો કરતાં આક્રમક છે એ સ્વીકારવું જોઈએ.
મોદી સરકારે કાર્યવાહી કરી એ સારું છે પણ તેના કારણે કશું બદલાયું નથી. પહલગામ હુમલા પછી મોટો આતંકવાદી હુમલો નથી થયો પણ આતંકવાદીઓ હજુ ઘૂસે જ છે અને હુમલા કરે જ છે. ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનના સો-બસો આતંકવાદીને મારી નાંખ્યા એવી વાતોથી આપણે ખુશ થઈએ છીએ પણ જમ્મુ અને કાશ્મીરનો ત્રીજો ભાગ હજુય પાકિસ્તાનના કબજા હેઠળ જ છે.