મુંબઈ લોખંડવાલામાં કોમ્પ્લેક્સની એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી, ત્રણ લોકોના મોત
મુંબઈના લોખંડવાલા કોમ્પ્લેક્સમાં બુધવારે સવારે એક મોટી ઘટના બની હતી, જ્યારે 14 માળની રિયા પેલેસ બિલ્ડિંગના 10મા માળે આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ સવારે આઠ વાગ્યાની આસપાસ લાગી હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની ઘટના અંધેરી વિસ્તારમાં બની હતી, જે એક વ્યસ્ત રહેણાંક વિસ્તાર છે. સ્થાનિક રહેવાસીઓ માટે આ ચિંતાજનક સ્થિતિ હતી, કારણ કે આ બિલ્ડિંગમાં ઘણા પરિવારો રહે છે.
ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને લગભગ 9 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જો કે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી જેના કારણે લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે અને આગ કેવી રીતે લાગી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઘાયલોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે, અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર સ્થાનિક રહીશોમાં સુરક્ષાને લઈને સવાલો ઉભા કર્યા છે. આગ વારંવાર થાય છે, પરંતુ જ્યારે તે રહેણાંક મકાનોમાં થાય છે, ત્યારે તેના પરિણામો વધુ ગંભીર હોઈ શકે છે.આગની આ ઘટના બાદ સ્થાનિક લોકોએ બિલ્ડીંગના સુરક્ષા માપદંડોની સમીક્ષાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે તમામ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનાં પગલાં ફરજીયાતપણે લાગુ કરવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.