તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના!! ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કુલ બસને મારી ટક્કર, 3 બાળકોના મોત, અનેક ઘાયલ
આજે સવારે તમિલનાડુમાં એક મોટી દુર્ઘટના બની છે. તમિલનાડુના કુડ્ડલોર જિલ્લાના ચેમ્માનકુપ્પમ વિસ્તારમાં એક ટ્રેને રેલ્વે ટ્રેક ક્રોસ કરતી સ્કૂલ બસને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં ત્રણ માસૂમ બાળકોના મોત થયા હતાં. જ્યારે દસ બાળકો અને વાનના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સ્કૂલ વાન રેલ્વે ટ્રેક પાર કરવાનો પ્રયાસ કરી રહી હતી, જ્યારે ચિદમ્બરમ જતી પેસેન્જર ટ્રેન બસને ટક્કર મારીને લગભગ 50 મીટર સુધી ખેંચી ગઈ.
ટક્કર એટલી ગંભીર હતી કે બસનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં ત્રણ બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા. જોકે, બાળકોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસમાં સ્કૂલના બાળકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ, ઘાયલ બાળકો અને ડ્રાઇવરને તાત્કાલિક કુડ્ડલોરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર છે. ડોક્ટરોનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
સ્થાનિક લોકો અને રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન જોયા છતાં ડ્રાઈવરે ઉતાવળમાં પાટા ઓળંગવાનો પ્રયાસ કર્યો હતો. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને જિલ્લા વહીવટીતંત્રે અકસ્માતની તપાસ શરૂ કરી છે, જેથી તેનું સાચું કારણ શોધી શકાય અને જવાબદારોને સજા મળી શકે.
અકસ્માતના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ છે. સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને રેલવે ક્રોસિંગ પર સુરક્ષા વ્યવસ્થાના અભાવે નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે શાળાઓની આસપાસ ફાટક વગરના ક્રોસિંગ ખતરનાક છે અને તેનું તાત્કાલિક સમારકામ કરાવવું જોઈએ.
અકસ્માતનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો સૌથી પહેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ફસાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો અને બચાવ ટીમ આવે ત્યાં સુધી મદદ કરી.
ગુસ્સે ભરાયેલા લોકોએ રેલવે અને વહીવટીતંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને શાળાઓ નજીક સુરક્ષા વધારવાની માંગ કરી. અધિકારીઓએ ખાતરી આપી છે કે તપાસના પરિણામોના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.