મહાકુંભમાં મહાટ્રેજેડી: જયાં જુઓ ત્યાં ચીસો-સામાન વેરવિખેર
પ્રયાગરાજમાં ચાલી રહેલ 12મા મહાકુંભમાં આસ્થા ઉપર યમરાજે વાર કર્યો હોય તેમ આજે મૌની અમાવસ્યાના અમૃત સ્નાન સાથે જ વહેલી પરોઢિયે ધક્કામુક્કી અને નાસભાગ થતા અનેક લોકો ભીડમાં કચડાઇ ગયા હતા તો અમુકના શ્ર્વાસ રૂંધાઇ ગયા હતા. સંગમ ઘાટના લગભગ બે કિલોમીટર વિસ્તારમાં ચોતરફ બૂટ-ચપ્પલ અને માલસામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને બેકાબૂ ભીડ વચ્ચે કોઇ લોકો બચાવો... બચાવોની ચીસો પાડતા હતા, તો કોઇ લોકો પોતાની સાથે આવેલા સ્વજનોના નામના પોકાર કરીને શોધતા નજરે પડયા હતા. ગઇકાલે મંગળવારે મોડી સાંજથી જ સંગમ ઘાટ પાસે અભૂતપૂર્વ ભીડ એકઠી થઇ હતી. અને પ્રહર બદલતા જ વહેલી પરોઢિયે બ્રહ્મમુહૂર્તમાં અમૃત સ્નાન માટે રાહ જોઇ રહ્યા હતા. રાત્રે લગભગ એકાદ વાગ્યે સ્નાન માટે બેરિકેડ હટાવાતા જ કલાકોથી બેઠેલી ભીડ બેકાબૂ બની હતી. ગાંડા- ઘેલાની માફક લોકોએ ઘાટ તરફ દોટ મૂકી હતી. સ્થાનિક પોલીસે ભીડને અટકાવવાના પ્રયાસો કર્યા તો લોકો આડસો ઉખેડીને ઘાટ તરફ દોડ્યા હતા.
આ દરમિયાન સ્થિતિ કાબૂમાં લેવા તંત્રએ ઘાટ ખાલી કરાવવાનું શરૂ કરતા જ ભીડ સામસામે ટકરાઇ ગઇ હતી અને ત્યારબાદ સર્જાઇ હતી મહાટ્રેજેડી... થોડા સમય પહેલાં ભારે આસ્થાપૂર્વક ભજન-કીર્તન કરતા ભાવિકો બચાવોની ચીસો પાડવા લાગ્યા હતા. અમુકની ચીસો થોડીવારમાં શાંત થઇ ગઇ હતી. ખાસ કરીને મહિલાઓ-બાળકો અને વૃદ્ધોની સ્થિતિ દયાજનક જોવા મળી હતી. અનેક લોકો ભીડમાં વિખૂટા પડી જતા હાંફળા-ફાંફળા બનીને એકબીજાને શોધતા નજરે પડતા હતા. ભારે અફરાતફરી અને બેકાબૂ ભીડના કારણે સુરક્ષા વ્યવસ્થા ભાંગી પડી હતી અને સ્થાનિક પોલીસ પણ કલાકો સુધી લાચાર સ્થિતિમાં મુકાઇ ગઇ હતી. ઘણા લોકો તો લાશ ખોવાઇ જવાના ડરે પોતાના સ્વજનોના મૃતદેહ છોડવા પણ તૈયાર ન હતા. પરોઢિયાના અંધકારમાં સ્થિતિ અત્યંત ભયાવહ ભાસતી હતી. લોકોના મદદના પોકાર કે, ચીસો સાંભળવાની સ્થિતિમાં કોઇ ન હતું થોડા કલાકોનો આ મંજર ભારે બિહામણો રહ્યો હતો.