મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા મોટી કાર્યવાહી, નાસિકની હોટલમાંથી 1.98 કરોડ રૂપિયા જપ્ત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 18 નવેમ્બરના રોજ પોલીસે નાસિકની એક હોટલમાંથી INR 1.98 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી. ગેરકાયદે ચૂંટણી ભંડોળ અંગે ચિંતા ઊભી કરતી એક સૂચનાને પગલે દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ મળેલી રોકડ થાણેના કોપરી આનંદ નગરના રહેવાસીની છે.
ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર પોલીસને નાસિકની એક હોટલમાં મોટી માત્રામાં રોકડ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે જ્યારે હોટલ પર દરોડા પાડવામાં આવ્યા હતાં. એક રૂમમાંથી રૂપિયા ભરેલી બે બેગ મળી આવી હતી, જે જપ્ત કરવામાં આવી હતી. આ બેગમાં 1.98 કરોડ રૂપિયાની રોકડ હતી.
નાસિક જિલ્લા મેજિસ્ટ્રેટ જલજ શર્માએ જપ્તીની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ખર્ચ નિરીક્ષક અને ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ચૂંટણીના સમયગાળા દરમિયાન નાણાકીય ગેરરીતિઓની તપાસને તેજ બનાવી છે. 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, સત્તાવાળાઓએ તકેદારી વધારી દીધી છે.
નાશિકના કલેક્ટરે કહ્યું કે રૂપિયા ક્યાંથી આવ્યા તેની ઉંડાણપૂર્વક તપાસ કરાશે. સાથે જ તેમણે કહ્યું કે હોટલના માલિકને નોટિસ આપી જવાબ માગશે, જો તે યોગ્ય જવાબ નહીં આપી શકે તો કડક પગલાં લેવામાં આવશે. તો આ અંગે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને તેની ટીમ મળી આવેલા રૂપિયાની તપાસમાં જોતરાશે.