કોલેજની ડિગ્રીથી કંઇ થવાનું નથી, મોટરસાઇકલ પંચરની દુકાન ખોલો
કોલેજ ઓફ એક્સીલેન્સના ઉદ્ઘાટન સમયે જ MPના ધારાસભ્યની જીભ લપસી
એક તરફ સરકાર ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે બીજી તરફ કોલેજ ઓફ એક્સીલેંસના ઉદ્ધાટન સમયે જ ભાજપના ધારાસભ્યે કોલેજની ડિગ્રીથી કંઇ થવાનું નથી મોટરસાયકલ પંચરની દુકાન ખોલી નાખો તેવી સલાહ આપતા ચકચાર મચી ગઇ છે.
મધ્ય પ્રદેશના ગુનાથી ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વિદ્યાર્થીઓને અનોખી સલાહ આપી દીધી છે. તેમણે રવિવારે પીએમ કોલેજ ઓફ એક્સીલેંસના ઉદ્ધાટન અવસર પર ગુનામાં આયોજીત કાર્યક્રમમાં કહ્યું કે, વિદ્યાર્થીઓ મોટર સાયકલ પંચરની દુકાન ખોલી લે, કારણ કે ડિગ્રી લેવાથી કંઈ થવાનું નથી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે ઈન્દોરમાં આયોજીત એક સમારંભમાં મધ્ય પ્રદેશના 55 જિલ્લામાં પીએમ કોલેજ ઓફ એક્સીલેંસનું સી ઉદ્ધાટન કર્યું હતું. ગુના સહિત સંબંધિત જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમો આયોજીત કર્યા હતા. આ દરમ્યાન શાક્યએ કહ્યું કે, અમે આજે પીએમ કોલેજ ઓફ એક્સીલેંસ ખોલી રહ્યા છીએ. હું તમામ લોકોને એક વાક્ય ધ્યાનમાં લેવાની અપીલ કરું છું કે આ કોલેજની ડિગ્રીઓથી કઈ થવાનું નથી. તેની જગ્યાએ મોટરસાયકલ પંચરની દુકાન ખોલી નાખો, જેથી જીવનનિર્વાહ ચાલી શકે.
હકીકતમાં જોઈએ તો, પન્નાલાલ શાક્ય પર્યાવરણ સંરક્ષણને લઈને ભાષણ આપી રહ્યા હતા. આ દરમ્યાન તેમની જીભ લપસી ગઈ. કાર્યક્રમ દરમ્યાન પહેલા તો ભાજપના ધારાસભ્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, સરકારી જમીન પર દબાણ વધી ગયા છે. ઝાડ કાપી નાખ્યા છે. આજે અમે પ્રધાનમંત્રી કોલેજનો શુભારંભ કરી રહ્યા છીએ, પણ ઝાડ છોડ બચાવી રહ્યા નથી.