લખતર પાસે 1400 બોટલ વિદેશી દારૂ-બીયર ભરેલી કાર રેઢી મળી
કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે
લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે ગઈકાલે સુરેન્દ્રનગરના લખતર નજીક વિદેશી દારૂ ભરેલી કાર વરસાદના કારણે માટીના પાળામાં ફસાઈ જતાં બુટલેગરો કાર રેઢી મુકી નાશી છુટ્યા હતાં. તેનાપગલે પોલીસને બગાસુ ખાતા મોઢામાં પતાસુ આવી ગયું હતું. અને વિદેશી દારૂ ભરેલ કાર કબ્જેકરી 7.53 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ લખતરના સદાદ ગામ પાસે વિદેશી દારૂ ભરેલી કાર આવી રહી હોવાની પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નર્મદા કેનાલ પર વોચ ગોઠવવામાં આવી હતી. દારૂ ભરેલી સ્કોર્પિયો કારના ચાલકે પોલીસને જોઈ સ્કોર્પિયો સદાદ ગામ તરફ વાળી દીધી હતી. પરંતુ રેલવે ફાટક બંધ હોય ખેતરના રસ્તેથી ભાગવા જતાં કાર માટીના પાળામાં ફસાઈ ગઈ હતી. જેના કારણે આરોપી સ્કોર્પિયો કાર રેઢી મુકી નાશી ગયો હતો.
પોલીસે રેઢી પડેલી સ્કોર્પિયો કારની તલાશી લેતા તેમાંથી નાની મોટી રૂા. 2,29,320ની કિંમતની 1,392 બોટલ વિદેશી દારૂ, રૂા. 14,400ની કિંમતના 144 નંગ બિયરના ટીન, બે મોબાઈલ ફોન અને પાંચ લાખની સ્કોર્પિયો મળી કુલ 7,53,720નો મુદ્દામાલ કબ્જે કરી નાશી છુટેલા શખ્સોની મોબાઈલફોનના આધારે શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી લખતરના પીએસઆઈ એન.એ. ડાભી સહિતના સ્ટાફે કરી હતી. જ્યારે સ્કોર્પિયો કારમાંથી ડુપ્લીકેટ નંબર મળી આવતા પોલીસે બુટલેગર અનેકાર ચાલક સહિતના શખ્સો સામે અલગથી ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.