કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત,100થી વધુ લોકો ફસાયાની આશંકા
આજે (મંગળવારે) વહેલી સવારે કેરળના વાયનાડ જિલ્લામાં મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં એક વિશાળ ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી રહી છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ભૂસ્ખલનમાં ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
KSDMA દ્વારા એક ફેસબુક પોસ્ટ અનુસાર, કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે વાયનાડ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. હાલમાં ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
કેન્દ્રથી તમામ શક્ય મદદ કરશે - પીએમ મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ વાયનાડના કેટલાક ભાગોમાં ભૂસ્ખલનથી વ્યથિત છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલો માટે પ્રાર્થના હાલમાં તમામ અસરગ્રસ્તોની મદદ માટે બચાવ કામગીરી ચાલી રહી છે. કેરળના મુખ્ય પ્રધાન શ્રી પિનરાઈ વિજયન સાથે વાત કરી અને ત્યાંની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.
પીએમ મોદીએ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ભૂસ્ખલનથી ફસાયેલા લોકોને વહેલી તકે બહાર કાઢવામાં આવશે- રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વાયનાડના મેપ્પડી પાસે થયેલા મોટા ભૂસ્ખલન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું આશા રાખું છું કે જે લોકો હજુ પણ ફસાયેલા છે તેઓને જલ્દી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવશે. મેં કેરળના મુખ્યમંત્રી અને વાયનાડના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી છે, જેમણે મને ખાતરી આપી છે કે બચાવ કામગીરી ચાલુ છે. મેં તેમને વિનંતી કરી છે કે તેઓ તમામ એજન્સીઓ સાથે સંકલન સુનિશ્ચિત કરે, કંટ્રોલ રૂમની સ્થાપના કરે અને રાહત પ્રયાસો માટે જરૂરી કોઈપણ સહાય વિશે અમને જણાવે. હું કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરીશ અને તેમને વાયનાડને શક્ય તમામ સહાય પૂરી પાડવા વિનંતી કરીશ. હું તમામ UDF કાર્યકરોને બચાવ અને રાહત કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરું છું.
કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે કહ્યું છે કે વાયનાડ ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, આરોગ્ય વિભાગે એક જિલ્લા સ્તરીય કંટ્રોલ રૂમ ખોલ્યો અને કટોકટીની આરોગ્ય સેવાઓ માટે બે હેલ્પલાઇન નંબર જારી કર્યા. વ્યથિરી, કલપટ્ટા, મેપ્પડી અને માનંતવાડી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે, જ્યાં તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે જ સેવા માટે પહોંચી ગયા હતા. વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે.