પૂણેમાં માર્ગ અકસ્માતની બે ઘટનામાં 7નાં મોત, 31ને ઈજા
બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા જઈ રહેલી પોલીસવેન પલ્ટી
મહારાષ્ટ્રના પુણે શહેરમાં ગઇકાલેની રાત માર્ગ અકસ્માતો માટે કાળ બનીને આવી હતી. બે અલગ-અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના કરૂૂણ મોત થયા હતા, જ્યારે 31 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાઓથી પુણે સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રથમ અને વધુ ગંભીર અકસ્માત પુણેના જેજુરી-મોરગાંવ રોડ પર બન્યો હતો. અહીં એક તેજ રફ્તાર સેડાન કાર અને પિકઅપ ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી, જેના પરિણામે 7 લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા. પુણે ગ્રામીણના એસપી સંદીપ સિંહ ગીલે આ ઘટના અંગે માહિતી આપી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોના કચ્ચરઘાણ નીકળી ગયા હતાં.
બીજી ઘટના મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બની હતી, જ્યાં ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને જઈ રહેલું એક પોલીસ વાહન પલટી ગયું હતું. આ વાહનમાં 160 ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓ સવાર હતા, જેમને મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતા હોવાથી પુણે એરપોર્ટથી ડિપોર્ટ કરવા માટે રાયગઢથી પુણે લઈ જવામાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં 19 પોલીસકર્મી અને 12 બાંગ્લાદેશી નાગરિકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.